Rajkot: ભાવનગરના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રાજકોટ મળવા બોલાવી 12 લાખ પડાવનાર પૂર્વ શિક્ષિકા સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે શિક્ષિકા અને તેની સહેલી ઉપરાંત પડધરીના શખ્સની ધરપકડ કરી હતી.
આ મામલે પુછપરછમાં આ ટોળકીએ પડધરી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂત અને એક ભુવાને પણ શીશામાં ઉતારી રૂા.36 લાખ પડાવ્યા હોવાનું સામે આવતાં આ મામલે વધુ બે ફરિયાદ પડધરી પોલીસમાં નોંધાઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પડધરીના ગ્રામ્યમાં રહેતા 46 વર્ષીય ખેડૂત તેમજ એક ભુવાને પણ આ ટોળકીએ શિકાર બનાવ્યા હતા. આ મામલે પાયલ પટેલ અને નારણકા ગામના નિલેશ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
પોતાની ફરિયાદના ખેડૂતે જણાવ્યું કે, નિલેશે દવાખાનું અને મેડિકલ શરૂ કરવા માટે રૂપિયાની જરૂર હોવાનું જણાવી પાયલ સાથે મારી ઓળખાણ કરાવી હતી. પાયલે પોતાની મીઠી-મીઠી વાતોમાં પોતાને ભોળવીને હની ટ્રેપમાં ફસાવીને 30 લાખ રૂપિયા પડાવ્યા હતા.
જે પૈકી 10 લાખનું નોટરાઈઝ લખાણ તેમજ 15 લાખ રૂપિયા રોકડા ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ વધુ રૂપિયા માંગ્યા હતા અને ના આપે તો બન્ને વચ્ચે થયેલી વાતચીતનું કૉલ રેકોર્ડિંગ વાયરલ કરીને બદનામ કરવા સાથે દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
બીજી ફરિયાદમાં ભુવાએ પાયલની સાથે સુરતના કમલેશ નામના ઈસમનું નામ આપ્યું છે. પોતાની ફરિયાદમાં ભુવાએ જણાવ્યું કે, એકવાર પાયલે ફોન કરે તમે માતાજીના ભુવા છો, તો મારે માનતા કરવા આવવા કહ્યું હતુ. જે બાદ પાયલે ઘરે આવીને પોતાને હનીટ્રેપમાં ફસાવીને અલગ-અલગ ઓનલાઈન પેમેન્ટ મારફતે 7.75 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ સિવાય ભુવાના અન્ય એક મિત્ર પાસેથી પણ અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા. જે પૈકી 1.05 લાખ પરજ આપી દીધા હતા.
જો કે પાછળથી પાયલ આણી ટોળકીએ વધુ રૂપિયા માંગ્યા હતા. જો ના આપે તો ઑડિયો રેકોર્ડિંગ વાયરલ કરવા અને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે રાજકોટ પોલીસે તપાસ કર્યા બાદ પડધરી પોલીસને જાણ કરતાં ટોળકી વિરુદ્ધ કૂલ 3 ફરિયાદ નોંધાઈ છે.
