Rajkot: શાપરમાં કરંટ લાગતા બે યુવકોના મોત, કારખાનામાં ગેટ ફિટ કરતી વખતે હાઈટેન્શન લાઈનના સંપર્કમાં આવતાં ચોંટી ગયા

રાજકોટના શાપર-વેરાવળ પંથકમાં એક નિર્માણાધીન કારખાનામાં ગેટ ફિટ કરતી વખતે ક્રેન હાઈટેન્શન વીજલાઈનના સંપર્કમાં આવતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ દુર્ઘટનામાં હિરેન રાઠોડ અને દિપેશ હરસોડા નામના યુવકોએ જીવ ગુમાવ્યા, જેઓ રાજકોટના કોઠારીયાના રહેવાસી હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 02 Oct 2026 07:52 PM (IST)Updated: Fri, 02 Oct 2026 07:52 PM (IST)
rajkot-news-hightension-wire-contact-claims-2-lives-in-shapar-industrial-zone

Rajkot News: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પંથકમાં એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શાપરથી રીબડા સાઇડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ અને રીબડા પાણીના ટાંકા વચ્ચેના કાચા રોડ પર એક નિર્માણાધીન કારખાનામાં શેડનો ગેટ ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ક્રેન હાઈટેન્શન વીજલાઇનના સંપર્કમાં આવી જતાં કરંટ લાગવાથી બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.


આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, 1 ઓક્ટોમ્બર 2026 ગુરૂવારે સાંજે પોણા છ વાગ્યાના આસપાસ હિતેશભાઈના નિર્માણાધીન કારખાનામાં રીબડાની ‘શિવ ક્રેન’ની મદદથી ગેટ ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી.

આ કામગીરી દરમિયાન ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઇન ક્રેન અથવા ગેટના સંપર્કમાં આવી ગઈ હતી. જેના કારણે ભારે વીજશોક લાગતા બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઝપેટમાં આવી ગયા હતા અને સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર હિરેનભાઈ અરવિંદભાઈ રાઠોડ (ઉં.35, રહે. કોઠારીયા, રાજકોટ) અને દિપેશભાઈ હરિભાઈ હરસોડા (ઉ.38 રહે. કોઠારીયા, રાજકોટ) તરીકે થઈ છે.

મૃતક હિરેનભાઈ તેમની માતાના એકના એક દીકરા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેમના અકાળ અવસાનથી માતા પર દુ:ખનો મોટો પહાડ તૂટી પડ્યો છે. જ્યારે દિપેશભાઈના પરિવારમાં માતા, પિતા અને પત્ની છે. જેમના અચાનક ચાલ્યા જવાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.