Rajkot: આજે બપોર બાદ રાજકોટ જિલ્લાના કેટલાય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાસ કરીને રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર પછી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
જસદણના લાલકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી-પાણી થઈ ગયું હતું.
મગફળીના પાકને મોટું નુકસાન
વરસાદે ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં જસદણ પંથકમાં મગફળીનો પાક તૈયાર હતો. અચાનક આવેલો આ વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો છે.
ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ઘણા ખેતરોમાં તો મગફળીના તૈયાર પાતરા (પાંદડા/ઢગલા) પાણીમાં તણાઈને જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ખેડૂતોનો તૈયાર મગફળીનો પાક સંપૂર્ણ નાશ થતા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. આ અણધાર્યા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
આ બાબતે રોષે ભરાયેલા ખેડૂતોએ ચેતવણીના સુરમાં જણાવ્યું કે, પોતાની ખુરશી સામે નહીં, પરંતુ ખેડૂતો સામે જુઓ. સરકારે તાત્કાલિક સર્વે કરીને વળતર આપવું જોઈએ, નહીંતર વિસાવદરવાળી થશે.
શક્તિ વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રનો દરિયો તોફાની બન્યો
અરબ સાગરમાં સર્જાયેલુ શક્તિ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે, પરંતુ તેની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે, શક્તિ વાવાઝોડું રવિવાર સુધીમાં પશ્ચિમ-મધ્ય અરબ સાગરમાં પહોંચીને ફંટાશે અને સોમવારે સવારથી ઉત્તર-પૂર્વની દિશામાં આગળ વધશે. જો કે જેમ-જેમ વાવાઝોડું ગુજરાત ભણી આગળ વધતુ જશે, તેમ-તેમ તેની ગતિ અને તીવ્રતામાં ઘટાડો થઈ શકે છે.
આ વાવાઝોડાની તીવ્રતાના કારણે ગુજરાતના દરિયા કાંઠે પવનની ગતિ વધી શકે છે. આ સાથે જ 7 થી 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના જિલ્લાઓમાં વરસાદ પણ વરસી શકે છે.
