Rajkot: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર સૌરાષ્ટ્રના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મેઘરાજાએ ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવ્યું હોય તેમ દિવસભરના બફારા બાદ સાંજ કુકાવાવ, વડીયા, ગોંડલ, બાબરા, જસદણ, વિસાવદર અને ભેંસાણ પંથકમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જે બાદ આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો.
આજે પણ દિવસભર અસહ્ય ઉકળાટ વચ્ચે બપોર બાદ રાજકોટના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ શહેરની વાત કરીએ તો, યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના પરિણામે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આવી જ રીતે ગોંડલ પંથકમાં પણ સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ સિવાય અમરેલી જિલ્લાના રાજુલામાં પણ વરસાદી માહોલ છવાયો હતો. જેમાં રાજુલા તાલુકાના આગરીયા, માંડરડી સહિતના ગામડાઓમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં બફારાના કારણે પરસેવે રેબઝેબ થઈ રહેલા લોકોએ રાહત અનુભવી હતી.
જણાવી દઈએ કે, અત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના જે ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, તે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આડે હજુ એક સપ્તાહની વાર હોવાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી રાજ્યના અલગ-અલગ ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.