Gujarati Film Laalo: રાજકોટમાં 'લાલો' ફિલ્મના પ્રમોશનમાં ફેન્સની પડાપડી, ક્રિસ્ટલ મૉલમાં ભીડ બેકાબુ બનતા કલાકારો જીવ બચાવી રવાના; જુઓ VIDEO

સ્થાનિક પોલીસ અને ખાનગી બાઉન્સરોએ ભારે જહેમતે બેકાબુ ભીડ પર કાબુ મેળવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Dec 2025 07:54 PM (IST)Updated: Tue, 02 Dec 2025 07:54 PM (IST)
rajkot-news-gujarati-film-laalo-krishna-sada-sahaayate-promotion-in-crystal-mall-kalawad-road
HIGHLIGHTS
  • પોતાના માનીતા કલાકારોને નિહાળવા ફેન્સમાં ધક્કામુક્કી

Rajkot: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઇતિહાસ સર્જનારી અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ 'લાલોઃ શ્રી કૃષ્ણ સદા સહાયતે'ના પ્રમોશન દરમિયાન આજે રાજકોટમાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રમોશન માટે આવી પહોંચતા જ ચાહકોનીની ભીડ બેકાબુ બનતા સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગુજરાતી ફિલ્મ 'લાલો' બોક્સ ઑફિસ પર રેકોર્ડ બ્રેક પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધીમાં આ ફિલ્મ 100 કરોડથી વધુની ઐતિહાસિક કમાણી કરી ચૂકી છે.

આજે 'લાલો' ફિલ્મના લોકપ્રિય કલાકારો રાજકોટના મહેમાન બન્યા હતા. પોતાના મનપસંદ કલાકારોની એક ઝલક મેળવવા માટે કાલાવડ રોડ સ્થિત ક્રિસ્ટલ મોલમાં હજારોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડ બેકાબુ બનતા ધક્કામુક્કી અને નાસભાગ મચી જવા પામી હતી.

આખરે પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ફિલ્મના કલાકારોને તાત્કાલિક સ્થળ પરથી સુરક્ષિત રવાના કરવાની ફરજ પડી હતી. બીજી તરફ આ બાબતની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ક્રિસ્ટલ મોલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં સ્થાનિક પોલીસ અને પ્રાઈવેટ બાઉન્સરોએ ભારે જહેમતે ભીડને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો.

આ ભારે અફરાતફરીમાં સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી ઈજાના સમાચાર નથી. જોકે, સુપરહિટ ફિલ્મના ક્રેઝને કારણે સર્જાયેલી આ ઘટના સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.