રાજકોટમાં ઉત્તરાયણની મજા લોહીથી ખરડાઈઃ ગોંડલમાં પતંગ ચગાવવા બાબતે જૂથ અથડામણ, છરીના આડેધડ ઘા ઝીંકી યુવકને રહેંસી નંખાયો

અનિલ નામના યુવકનો પડખાના ભાગે છરી હુલાવી દીધી. 3 હુમલાખોર પૈકી 2 યુવકો ઈજાગ્રસ્ત થતાં તેમને પણ ગોંડલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Jan 2026 07:30 PM (IST)Updated: Wed, 14 Jan 2026 07:31 PM (IST)
rajkot-news-group-clash-over-kite-flying-man-stabbed-to-death-at-gondal
HIGHLIGHTS
  • રાજકોટ શહેરના સહકારનગરમાં સમી સાંજે છરીના ઘા ઝીંકી યુવકની હત્યા

Rajkot: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી હતી, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં મકર સંક્રાંતિનો પર્વ બે પરિવારો માટે માતમમાં ફેરવાઈ ગયો છે. જેમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં બે યુવકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પ્રથમ બનાવ ગોંડલ શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં ગોંડલના સામા કાંઠા વિસ્તારમાં આવેલા ભગવતપરાના વણકરવાસમાં પતંગ ચગાવવા મામલે બે જૂથો સામસામે આવી ગયા હતા. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઝઘડામાં અનિલ લુણેસીયા (40) નામના યુવકના પડખાના ભાગે ધારદાર છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા.

આથી અનિલને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ગોંડલ લઈ જવામાં આવ્યો હતો. જો કે હાલત ગંભીર જણાતાને રાજકોટ રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ તે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડ્યો હતો.

બીજી તરફ અનિલ પર હુમલો કરનારા ત્રણ જણા પૈકી બે વ્યક્તિને પણ ઈજા પહોંચતા તેમને પણ ગોંડલ સિવિલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ મામલે ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજો બનાવ રાજકોટ શહેરના સહકારનગર મેઈન રોડ પરથી સામે આવ્યો છે. જેમાં મકર સંક્રાંતિની સાજે એક અજાણ્યા યુવકની છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. જે બાદ અજાણ્યા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હાલ તો પોલીસે મૃતકની ઓળખ મેળવી હત્યારાઓની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.