Rajkot News: કોટડા સાંગાણીના રામોદ ગામમાં રામનવમીએ 17 તારીખ બુધવારે મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારનાં આંગણે સદીઓથી ચાલી આવતી માન્યતા-પરંપરાને કોરાણે રાખીને સ્મશાનમાં વરરાજા પરિવારને ઉતારો આપી લગ્નનાં રિવાજોને તિલાંજલિ આપી અનોખા લગ્ન સમારોહનું આયોજન કરાયું છે. આ લગ્નમાં કન્યા પક્ષના મોભી કાળા વેશ-પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી સ્મશાનમાં ઉતારો આપશે.
કમર કોટડા નિવાસી મુકેશભાઈ નાજાભાઈ સરવૈયા પરિવારના વરરાજા જાન આવવાની છે. જેમાં વરરાજા જયેશભાઇનું સ્વાગત રામોદની કન્યા પાયલબેન કાળી સાડીના વેશ પરિધાનમાં ભૂત-પ્રેતના સરઘસ સાથે સામૈયું કરશે. સપ્તપદીને બદલે બંધારણનાં સોગંદ લેવામાં આવશે અને કન્યાની માતા કાળી સાડીમાં જાનનું સ્વાગત કરશે.
આ લગ્નમાં મુહૂર્ત-ચોઘડિયા વગર ઊંઘા ફેરા રાખી બંધારણના શપથ ગ્રહણ કરાશે. જાનના સ્મશાનમાં ઉતારા સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવશે. આ લગ્ન સમારોહ માટે ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ સહિત જોડાવાના છે.
