Rajkot: ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફિસના ક્લાર્ક સાથે રૂ. 3.88 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ક્લાર્કના મોબાઈલમાં કોઈપણ એપ્લિકેશન કે લિંક ઓપન કર્યા વગર જ OTP અને ફોન પેની લિંક્સ અજાણ્યા નંબરો પર આપોઆપ શેર થઈ ગઈ હતી. જે બાદ સાયબર ઠગોએ બેંક એકાઉન્ટ ખાલી કરી દીધું નાંખ્યું હતુ.
આ મામલે ગોંડલ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, મૂળ બોટાદના અને હાલ ગોંડલના મોહનનગરમાં રહેતા જીતેન્દ્ર વાઘેલા (43) ગોંડલ પોસ્ટ ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે.
ગત તા. 5 ઓક્ટોબર 2026ના રોજ બપોરના સમયે તેઓ અમદાવાદના નેહરૂનગર બસ સ્ટેન્ડથી ગોંડલ આવવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમના મોબાઈલ નંબર પર મોબીક્વીક, આધારકાર્ડ અને ફોન પેમાંથી અલગ-અલગ OTP આવવા લાગ્યા હતા.
Gandhinagar: સાંતેજ GIDCમાં ફેક્ટરીમાં ભીષણ આગથી શ્રમિકોમાં દોડધામ, ફાયર વિભાગે મેજર કૉલ જાહેર કર્યો
જો કે તેમણે કોઈ લિંક ઓપન નહોતી અને કોઈને OTP પણ આપ્યો નહોતો. આમ છતાં મોબીક્વીકના OTP અને ફોન પે ની લિંક્સ અજાણ્યા સાયબર ઠગોના વિવિધ મોબાઈલ નંબરો પર આપોઆપ શેર થઈ ગયા હતા. શરૂઆતમાં બેંક ખાતામાંથી નાણાં ઉપડ્યા નહોતા, પરંતુ તા. 10 ઓક્ટોબર 2026ના રોજ જ્યારે જીતેન્દ્રભાઈ ગોંડલ બસ સ્ટેન્ડ ખાતે હતા, ત્યારે તેમના કેનારા બેંકના ખાતામાંથી અચાનક રૂ. 3,58,083 ઉપડી ગયા હતા.
જે બાદ થોડી જ વારમાં રૂ. 10,000ના ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થઈને કુલ રૂ. 3,88,083 ની રકમ ઉપડી ગઈ હતી. ગભરાઈ ગયેલા ફરિયાદીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.
સાયબર હેલ્પલાઈન પર અરજી કર્યા બાદ ગઈકાલે તા. 16 ઓક્ટોબરના રોજ ગોંડલ બી-ડિવિઝન પોલીસે ફરિયાદીની રૂબરૂ પૂછપરછ કરી કાયદેસરની FIR નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સાયબર ફ્રોડમાં વપરાયેલા 10થી વધુ શંકાસ્પદ મોબાઈલ નંબરના ધારકો અને બેંક એકાઉન્ટ ધારકો સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ મામલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જે.બી.ચૌહાણ ચલાવી રહ્યા છે.
