Rajkot News: ગોંડલ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ શારદાબેન સાવલિયાના પતિ મનસુખભાઇ સાવલિયાને કારે અડફેટે લેતા મોત નીપજ્યું છે. કોટડાસાંગાણી રોડ પર સાયકલિંગ દરમિયાન એક કાર ચાલકે અડફેટે લીધા હતા. ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મનસુખભાઈ સાવલિયા નિવૃત્તિ બાદ એસઆરપી ગેટ પાસે જય ગુરુદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા હતા. તેઓ દરરોજ સાંજના સમયે સાયકલિંગ માટે જતા હતા. પોતાની દિનચર્યા મુજબ તેઓ કોટડાસાંગાણી રોડ પર સાંજના સમયે સાઇકલિંગ કરી રહ્યાં હતા તે દરમિયાન મહિલા પોલીસ સ્ટેશન નજીક એક કાર ચાલકે તેમને અડફેટે લીધા હતા.
કારે અડફેટે લેતા તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. જોકે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ગોંડલ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મનસુખભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે, જે ત્રણેય પરણીત છે. અકસ્માતના આ બનાવને પગલે પરિવારજનોમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે.