Rajkot: આર્થિક મંદીના કારણે અનેક લોકોએ આત્મઘાતી પગલા ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે, ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા ફર્નિચરના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા આર્થિક ભીંસથી કંટાળી એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા લલિતભાઈ હરિભાઈ પીપળીયા નામના 55 વર્ષના આધેડ ગત તા.11ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા, ત્યારે એસિડ પી લીધુ હતું. આધેડને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન લલિતભાઈ પીપળીયાએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ પણ વાંચો
10 વર્ષ પહેલા મૃતકના પુત્રએ પણ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક લલિતભાઈ પીપળીયા ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ હતા અને લલીતભાઈ પીપળીયાને સંતાનમાં એક પુત્ર હતો, જેણે દસ વર્ષ પહેલાં ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. લલીતભાઈ પીપળીયાએ પીપળીયા ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ હાલ ધંધો ચાલતો ન હોવાથી આર્થિક સંકડામણથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
