સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું હબ બની: દિલ્હીની એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા UPSC-GPSCનું ફ્રી કોચિંગ

અગાઉ જે તાલીમ માટે વિદ્યાર્થીઓને લાખો રૂપિયા ખર્ચીને છેક દિલ્હી જવું પડતું હતું, તે જ દિલ્હીની એક્સપર્ટ ફેકલ્ટીના માધ્યમથી હવે રાજકોટમાં ઘરઆંગણે જ વિનામૂલ્યે મળે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 18 May 2026 03:32 PM (IST)Updated: Mon, 18 May 2026 03:32 PM (IST)
rajkot-news-free-upsc-gpsc-coaching-by-delhi-expert-faculty-at-saurashtra-university

Rajkot News: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે GPSC અને UPSC જેવી ઉચ્ચસ્તરીય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક આદર્શ અને વિશ્વસનીય કેન્દ્ર બની ચૂકી છે. યુનિવર્સિટી કેમ્પસમાં કાર્યરત ત્રણ અલગ-અલગ તાલીમ કેન્દ્રોના સઘન માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં 130થી વધુ વિદ્યાર્થીઓ GPSCની પરીક્ષા પાસ કરીને ક્લાસ-1 અને ક્લાસ-2 સરકારી અધિકારી બની ચૂક્યા છે.

આ કેન્દ્રોની સૌથી મોટી વિશેષતા તેમની નજીવી અને પરત મળવાપાત્ર (રિફંડેબલ) ફી છે. ખાનગી ક્લાસીસમાં જ્યાં લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે, ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર ટોકન ડિપોઝિટ લઈને પ્રવેશ આપવામાં આવે છે.

IAS અને IPS બનવાનું સ્વપ્ન સેવતા સૌરાષ્ટ્રના યુવાનો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાબિત થયા છે. અગાઉ જે તાલીમ માટે વિદ્યાર્થીઓને લાખો રૂપિયા ખર્ચીને છેક દિલ્હી જવું પડતું હતું, તે જ દિલ્હીની એક્સપર્ટ ફેકલ્ટીના માધ્યમથી હવે રાજકોટમાં ઘરઆંગણે જ વિનામૂલ્યે ગુણવત્તાયુક્ત તાલીમ મળી રહી છે.

અત્રે નોંધનીય છે કે, આગામી 24મેના રોજ દેશભરમાં UPSC ની પ્રિલિમ્સ પરીક્ષા યોજાવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ કેન્દ્રોમાં તાલીમ પામેલા અનેક વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે.