રાજકોટની દેવયાની ઝાલાએ રચ્યો ઇતિહાસ, નેશનલ એથ્લેટિક્સમાં બ્રોન્ઝ જીતી 2026 એશિયન ગેમ્સ માટે કર્યું ક્વાલિફાય

રાજકોટની એથ્લીટ દેવયાની ઝાલાએ ભુવનેશ્વરમાં યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી 2026ની એશિયન ગેમ્સમાં સ્થાન મેળવ્યું છે. વાંચો તેની આ ઐતિહાસિક સફર વિશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 12 Aug 2026 06:00 AM (IST)Updated: Wed, 12 Aug 2026 06:00 AM (IST)
rajkots-devyani-jhala-creates-history-wins-bronze-at-national-athletics-and-qualifies-for-the-2026-asian-games

Devyani Zhala Qualifies for Asian Games 2026: રનિંગ ટ્રેક પર કઠોર શિસ્ત, અથાક પરિશ્રમ અને દ્રઢ સંકલ્પના બળે રાજકોટની યુવા એથ્લીટ દેવયાની ઝાલાએ રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે. ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 400 મીટરની દોડ માત્ર 53.26 સેકન્ડમાં પૂર્ણ કરીને તેમણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ ભવ્ય સિદ્ધિ સાથે જ તેઓ 2026ની એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થનારાં ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લીટ બન્યાં છે.

અથાક પરિશ્રમ અને અગાઉની સફળતાઓ

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દેવયાની ઝાલા માટે આ સફળતા વર્ષોની સખત મહેનતનું પરિણામ છે. આ અગાઉ પણ તેમણે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જ્યારે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં સિલ્વર મેડલ જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. હવે 2026ની એશિયન ગેમ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા બાદ તેમનું આગામી ધ્યેય ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતવાનું છે.

પિતાનું માર્ગદર્શન અને ખેલ નીતિનો ટેકો

દેવયાનીની આ ઐતિહાસિક સફર પાછળ તેમના પિતા મહેન્દ્રસિંહ ઝાલાનો અડગ વિશ્વાસ અને સતત પ્રોત્સાહન મુખ્ય આધારસ્તંભ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રમતગમત અધિકારી હરીશ રાબાએ જણાવ્યું હતું કે, પરિવારના સાથ-સહકાર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક ખેલ નીતિના પરિણામે જ આજે ગુજરાતના યુવા રમતવીરો વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે.

યુવા રમતવીરો માટે પ્રેરણાસ્રોત

ગુજરાતમાં ઉપલબ્ધ આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણવત્તાસભર તાલીમના કારણે રાજ્યમાં રમતગમતના નવા યુગનો પ્રારંભ થયો છે. દેવયાની ઝાલાની આ સફળતા રાજ્યના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહી છે. હવે 2026ની એશિયન ગેમ્સમાં દેશ અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી વખતે સમગ્ર ગુજરાતની નજર તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન પર રહેશે.