Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી અચાનક કાર્યવાહીને કારણે સ્થાનિક ફૂલ વેચતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રામનાથપરા સ્મશાન પાસે વર્ષોથી ફૂલ વેચતા ખેડૂતોને કોઈ પણ પૂર્વ જાણ વગર હટાવી દેવામાં આવતા ખેડૂતોએ મનપા કચેરીએ પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટમાં રામનાથપરા સ્મશાન પાસે છેલ્લા 15 વર્ષથી ફૂલ વેચીને ગુજરાન ચલાવતા ખેડૂતો પર અચાનક ગાજ વીંઝાઈ છે. મનપાના અધિકારીઓ દ્વારા અચાનક હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના કારણે ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવવા માટે મહાનગરપાલિકા કચેરીની બહાર રોડ પર જ પોતાના ફૂલ ઠાલવી દીધા હતા અને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો
સ્થાનિક વેપારી અને ખેડૂત ગુલાબભાઇ મનાભાઈએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 35 વર્ષથી આ ધંધો કરીએ છીએ. અગાઉ પારેવડી ચોક પાસે ધંધો કરતા હતા, જ્યાંથી અમને ખસેડીને રામનાથપરા બેસાડવામાં આવ્યા હતા. હવે અહીંથી પણ અમને અચાનક ઉભા કરી દેવામાં આવ્યા છે. તંત્ર અમને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવે અથવા સવારે 8.30 વાગ્યા સુધીનો જે નિયમિત સમય છે, તે મુજબ વેપાર કરવા દે.
તેમણે વધુમાં કહ્યું કે, આશરે 700 થી 800 જેટલા ખેડૂતો છેલ્લા 15 વર્ષથી સતત રામનાથપરા ખાતે ફૂલ વેચવા આવે છે અને સવારે 8.30 વાગ્યા સુધી પોતાનો વ્યવસાય કરે છે. આજે સવારે 6 વાગ્યે જ કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર મનપાના અધિકારીઓ ધસી આવ્યા હતા અને માલ ઉપાડી લેવાની ધમકી આપી ખેડૂતોને હાંકી કાઢ્યા હતા. અચાનક થયેલી આ કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતોએ તંત્ર સમક્ષ ન્યાય અને વ્યવસાય માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહે છે કે મનપા તંત્ર આ બાબતે શું હકારાત્મક પગલાં લે છે.
