Rajkot Adulterated Ghee Raid: રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કાર્યવાહી કરતા પોલીસ અને મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ભેળસેળયુક્ત ઘી બનાવવા અને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શહેરના કેવડાવાડી સ્થિત 'વોલ્ગા ઘી ડેપો' પર દરોડો પાડી ઘીના 6 સેમ્પલ લઈ રૂ. 2.83 લાખની કિંમતનો 500 કિલો શંકાસ્પદ મુદ્દામાલ સીઝ કર્યો હતો. આ ઉપરાંત શહેરભરમાંથી મોદક, માવા અને ડેરી પ્રોડક્ટ્સ સહિત કુલ 37 જેટલા નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
રાજકોટ SOG પોલીસ અને RMC ફૂડ વિભાગને ચોક્કસ બાતમી મળી હતી કે, કેવડાવાડી મેઈન રોડ પર આવેલા વોલ્ગા ઘી ડેપોમાં સોયાબીન ઓઈલ, વનસ્પતિ ઘી અને મિલ્ક ફેટનું મિશ્રણ કરી બનાવટી ઘી તૈયાર કરાઈ રહ્યું છે. બાતમીના આધારે દરોડો પાડતા સ્થળ પરથી રૂ. 2,83,879 ની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો, વનસ્પતિ ઘીના ડબ્બા, બનાવટી બ્રાન્ડિંગ સ્ટીકરો તેમજ પેકિંગ મશીનરી સહિતનો સામાન મળી આવ્યો હતો.
આ પણ વાંચો
ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન નાગરિકોને અખાદ્ય માલ પધરાવી ન દેવાય તે માટે તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગુરુકૃપા સ્વીટ્સ, ગજાનંદ સોનપાપડી, શ્યામ ડેરી, રસધારા સ્વીટ્સ, શિવશક્તિગૃહઉદ્યોગ અને કૃપાનિધિ સહિતની પેઢીમાંથી મોતીચૂર લાડુ, ગુલકંદ મોદક, ચોકલેટ મોદક અને સોનપાપડીના નમૂના લેવાયા હતા. મેઘમિલન ડેરી, શ્રી તિરુપતિ ડેરી, માટેલ સ્વીટ્સ અને જય યોગેશ્વર ડેરીમાંથી મીઠા માવાના સેમ્પલ લઈને ગુણવત્તા ચકાસણી માટે મોકલાયા છે.
