Rajkot RMTS Bus Online Ticket: શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લાખો મુસાફરો માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા મુસાફરોની સફરને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. હવે રાજકોટવાસીઓએ RMTS સિટી બસ કે ઇલેક્ટ્રિક AC બસમાં મુસાફરી કરતી વખતે કંડક્ટરને છૂટા પૈસા આપવા માટે કે ટિકિટની લાઈનમાં ઉભા રહેવા માટે પરેશાન નહીં થવું પડે. તંત્ર દ્વારા હવે ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે.
કેવી રીતે કામ કરશે આ નવી સિસ્ટમ?
- તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ નવી ટેક્નોલોજીની મદદથી મુસાફરો ખૂબ જ સરળતાથી ડિજિટલ ટિકિટ મેળવી શકશે.
- બસની અંદર અથવા ટિકિટ કાઉન્ટર પર ઉપલબ્ધ QR Codeને તમારા મોબાઈલથી સ્કેન કરવાનો રહેશે.
- QR સ્કેન થતાં જ ઓનલાઈન પેમેન્ટ પ્રોસેસ પૂર્ણ થશે.
- પેમેન્ટ સફળ થતાની સાથે જ મુસાફરની ટિકિટ સીધી તેમના WhatsApp પર મેસેજ દ્વારા આવી જશે.
મુસાફરોને શું થશે ફાયદા?
છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ: ઘણીવાર મુસાફરો પાસે પાંચ કે દસ રૂપિયાના છૂટા ન હોવાને કારણે કંડક્ટર સાથે ઘર્ષણ થતું હોય છે, જે હવે નહીં થાય. સંપૂર્ણપણે કેશલેસ (Cashless) વ્યવહાર બનવાથી સમયની બચત થશે.
ઝડપી અને સરળ પ્રક્રિયા: માત્ર એક જ મિનિટમાં મોબાઈલ દ્વારા ટિકિટ બુક થઈ જશે.
ડિજિટલ રાજકોટ તરફ વધુ એક કદમ: સ્માર્ટ સિટી રાજકોટના અભિયાન અંતર્ગત આ સુવિધાથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુ હાઈ-ટેક બનશે.
આ બસોમાં મળશે સુવિધા
આ નવી ડિજિટલ ટિકિટિંગ સિસ્ટમનો લાભ શહેરમાં દોડતી તમામ નિયમિત RMTS સિટી બસો તેમજ ઇલેક્ટ્રિક AC બસોમાં મળી રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ ડિજિટલ સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરે અને કેશલેસ સફરનો અનુભવ કરે.
