Rajkot: રૈયાધારમાં જૂની અદાવતમાં લુખ્ખા ટોળકીનો આતંક, ફિલ્મી સ્ટાઈલમાં સોડા બોટલના ઘા કરી 3 કારમાં તોડફોડથી સ્થાનિકોમાં દહેશત

કાર ભાડે આપવા માટે બોલાવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર નિયતી રઘુવંશી સહિત ડઝનક શખ્સોએ ગાડીઓમાં નુકસાન કર્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Sep 2025 05:48 PM (IST)Updated: Wed, 10 Sep 2025 05:48 PM (IST)
rajkot-news-fir-against-social-media-influencer-niyati-raghuvanshi-in-university-police
HIGHLIGHTS
  • યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 10 સામે ફરિયાદ નોંધાઈ
  • ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગાળો ભાંડી

Rajkot: રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જાય છે, અવાર-નવાર જાહેરમાં મારામારી થતી હોવાનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ દ્વારા પગલા લેવામા આવે છે, ત્યારે રૈયાધારમાં ડઝનેક શખ્સો જૂની અદાવતો ખાર રાખી સોડા બોટલનાં ઘા કરી 3 કારમાં તોડફોડ કરી હતી. આ ઘટનામા સેલ્ફ કાર ભાડે આપતા યુવાને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમા લેખિત ફરિયાદ આપી છે . આ ઘટનામા પોલીસે જેતપુરની યુવતી સહિતના શખસોને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.

રાજકોટ શહેરનાં રેલનગરમાં રહેતા અને સેલ્ફ કાર ભાડે આપતા પરમવિરસિંહ વિજયસિંહ ઝાલા નામનાં યુવાને જેતપુરની સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર નિયતી રઘુવંશી, દકુ , રોહીત અને તેની સાથેના અન્ય દસેક શખસો સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા લેખિતમાં ફરિયાદ આપી છે. આ ઘટનામા પીઆઇ પટેલની રાહબરીમા ડી સ્ટાફ દ્વારા આરોપીઓને સકંજામા લેવાની તજવીજ શરુ કરી છે.

પોતાની ફરિયાદમાં પરમવિરસિંહ ઝાલાએ જણાવ્યુ કે, તેઓ સેલ્ફ કાર ભાડે આપવાનુ કામ કરે છે. તેમને તેમની મિત્ર નિયતી રઘુવંશી જેતપુરવાળીનો કોલ આવ્યો હતો અને તેમણે ગાડી ભાડે જોઇતી હોવાનુ જણાવ્યુ હતુ. આ સમયે નિયતીને ગાડી ભાડે જોઇતી હોવાથી પરમવિરસિંહ તેમનાં માણસો સાથે ર્સ્કોપીયો કાર , સ્વીફટ કાર અને અન્ય એક કાર લઇ રૈયાધાર વિસ્તારમાં પહોંચ્યા હતા. આ સમયે તેમની કારમાં જુની અદાવતનો ખાર રાખી દસેક શખસોએ તોડફોડ કરી હતી.

આ ઘટનામા નિયતી રઘુવંશી, દકુ , રોહીત અને અજાણ્યા દસેક શખસો સામેલ છે. ગાડીઓમા સોડા બોટલનાં ઘા કરી નુકસાની કર્યા બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, તમને બધાને મારી નાખવાનાં છે અને તેઓએ ગાળો આપી હતી. આ જાહેરમાં ફિલ્મી સ્ટાઇલથી લુખ્ખાગીરી કરી વાહનોમા તોડફોડ કરવાની ઘટનામા વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો.

આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહયો છે. તેમજ આ બનાવ અંગેની લેખિત ફરીયાદ પરમવિરસિંહ ઝાલાએ યુનિવર્સિટી પોલીસ મથકમા આપતા પોલીસે આરોપીઓને સકંજામા લેવા તજવીજ શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે, લુખ્ખા તત્વો દ્વારા જાહેરમા આંતક મચાવવામાં આવે છે, ત્યારે પોલીસ દ્વારા કોઇ નકકર કાર્યવાહી કરી આવા તત્વોની શાન ઠેકાણે લાવવામાં આવે તેવી લોકોમા માંગ ઉઠી રહી છે.