Rajkot: રાજકોટ તાલુકાનાં સરધાર નજીક આવેલા લોધીડા ગામે ખેત મજૂરી અર્થે આવેલુ શ્રમિક દંપતી પોતાના 4 માસના માસૂમ બાળકને લઇને ઘરેથી વાડીએ જવા નીકળ્યુ હતુ. આ સમયે રસ્તામાં ઇકો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર દંપતી માસુમ બાળક સાથે ફંગોળાયુ હતુ. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા માસૂમનું માતા-પિતાની નજર સામે મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર નજીક આવેલા લોધીડા ગામે રહેતા શંભુભાઇ સોલંકી અને તેમનાં પત્ની સુમિત્રાબેન પોતાના 4 માસનાં બાળક રોહિત સોલંકીને લઇને વાડીએ જતા હતા. આ દરમિયાન લોધીડા નજીક વાડી વિસ્તારમાં ઇકો કારના ચાલકે શ્રમિક દંપતીનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ચાર મહિનાના માસૂમ રોહિત સોલંકીને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયારે શ્રમિક દંપતીને ઇજા પહોંચી હતી. રોહિત સોલંકીની સારવાર કારગત નીવડે તે પૂર્વે ફરજ પરનાં તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે સિવીલ હોસ્પીટલ પોલીસનાં સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસનો સ્ટાફ સિવીલ હોસ્પીટલે પહોંચી ગયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક માસૂમનો પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને મૃતક રોહિત સોલંકી બે ભાઇ બે બહેનમાં નાનો હતો . રોહિત સોલંકીને લઇને તેનાં માતા-પિતા ઘરેથી વાડીએ જતા હતા, ત્યારે રસ્તામાં લોધીડા ગામનાં ઇકો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
