રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામઃ નજીવી બાબતે અલગ-અલગ 7 સ્થળે મારામારીની ઘટના, છરી, લોખંડના હથોડા અને પાઈપથી જીવલેણ હુમલા કરાયા

ભીમનગરમાં પારકા ઝઘડામાં છોડાવવા જતાં યુવાન પર હથોડાથી હુમલો, જૂની કોર્ટ પાસે આધેડને બે મહિલા સહિત પાંચ શખ્સોએ લમધાર્યો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 09 May 2025 07:28 PM (IST)Updated: Fri 09 May 2025 07:28 PM (IST)
rajkot-news-fighting-incident-7-area-across-the-city-8-injured-hospitalized-525481
HIGHLIGHTS
  • પરાબજારમાં રૂપિયાની માગણી કરી ફ્રૂટના વેપારી ઉપર છરી-ધારિયાથી હુમલો

Rajkot: શહેરમાં અલગ-અલગ સાત સ્થળે મારામારીની ઘટના સામે આવી હતી. પરાબજારમાં રૂપિયાની માંગણી કરી ફ્રૂટના વેપારી ઉપર છરી ધારિયા થી હુમલો કરવામાં આવ્યો હતો. ભીમનગરમાં પારકા ઝઘડામાં છોડાવવા જતાં યુવાન પર હથોડાથી હુમલો થયો હતો. જૂની કોર્ટ પાસે આધેડને બે મહિલા સહિત પાંચ શખ્સોએ લમધાર્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભગવતીપરામાં રહેતો અને પરાબજારમાં ફ્રુટની લારી રાખી વેપાર કરતો રમઝાન હનીફભાઈ આરબ (ઉ.વ.25) નામનો યુવાન ગઈ કાલે બપોરે પરાબજારમાં પોતાની રેકડીએ હતો ત્યારે અબ્દુલ હબીબભાઈ કાદર નામના શખ્સે આવી રૂપિયાની માંગણી કરતા ફરિયાદી તેને ઓળખતા ન હોવાથી રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ધારિયા, છરી વડે હુમલો કરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે સામાપક્ષે દુધસાગર રોડ પર રહેતો અબ્દુલ હબીબ કાદર (ઉ.વ.48) પણ રમજાને છરી વડે હુમલો કર્યાના આક્ષેપ સાથે સિવિલમાં દાખલ થયો હતો.

બીજા બનાવમાં મોટામવા પાસે રૂચી સોસાયટીમાં રહેતો વિરક્રમ વિરજીભાઈ વાઘેલા (ઉ.વ.30) નામનો યુવાન ભીમનગરમાં હતો, ત્યારે રણજીત મનજી વાઘેલા, સુરેશ અને રોહીતે ઝઘડો કરી લોખંડના હથોડા વડે માર મારતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપીનો ભાઈ વિપુલ તેની પત્ની સાથે ઝઘડો કરતો હોવાથી છોડાવવા જતાં હુમલો કર્યો હતો.

ત્રીજા બનાવમાં કુવાડવા ગામે રહેતો અમિત લલીતભાઈ ખીલોસીયા (ઉ.વ.29)નામનો યુવાન ભુપગઢ ચોકડી પાસે હતો ત્યારે પવાભાઈ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ કોઈ કારણસર પાઈપ વડે માર માર્યો હતો.

ચોથા બનાવમાં ભગવતીપરામાં રહેતો ભરતભાઈ દિપકભાઈ બારોટ (ઉ.વ.46) નામના આધેડ જૂની કોર્ટ પાસે હતા ત્યારે અજાણ્યા ત્રણ શખ્સો અને બે અજાણી મહિલાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

પાંચમાં બનાવમાં લક્ષ્મીનગરમાં રહેતા ઝાહીરખાન આફિદખાન (ઉ.વ.41) નામના યુવાનને અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર મારતા તેને સારવારમાં ખસેડાયો હતો. ઈજાગ્રસ્ત ગોલાની રેકડી ધરાવે છે. આરોપી પરેશ બાવાજીનો પુત્ર તેની બદામ અને મસાલાની ડબી લઈ જતા તે બાબતે કહેવા જતાં હુમલો કર્યો હતો.

છઠ્ઠા બનાવમાં કોઠારિયા સોલવન્ટમાં રહેતો રામલાલ નામનો 28 વર્ષીય યુવાનને અજાણ્યા શખ્સોએ કોઈ કારણસર ઝઘડો કરી લમધાર્યો હતો. જ્યારે સાતમાં બનાવમાં રૂખડિયાપરામાં રહેતો દલપત જશાભાઈ ચૌહાણ (ઉ.વ.41) નામનો યુવન પોપટપરા જેલ પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકા વડે માર મારતા સારવારમાં ખસેડાયો હતો.