Rajkot: રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નાફેડ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ અચાનક મજૂરોની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. મગફળી ખરીદી કેન્દ્ર પર કામ કરતા પરપ્રાંતીય મજૂરોના બે જૂથો વચ્ચે રાત્રે થયેલી બબાલને કારણે ખરીદી પ્રક્રિયા ધીમી પડી ગઈ છે, જેના કારણે ખેડૂતોને કડકડતી ઠંડીમાં રાત વિતાવવી પડી રહી છે.
ધોરાજીના મગફળી ખરીદ કેન્દ્રમાં ખેડૂતોના વાહનોની 2 થી 3 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે. ખેડૂતો અહીં પોતાની ઉપજ વેચવા માટે છેલ્લા 36 કલાકથી લાઈનમાં ઉભા છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ મજૂરોની અછત છે.
ગત રાત્રે અહીં કામ કરતા બિહાર અને ઉત્તર પ્રદેશના મજૂરો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેમાં મારામારી થતા અમુક મજૂરો ઘાયલ થયા હતા અને પોલીસ કાર્યવાહી પણ થઈ છે. જેના પરિણામે મજૂરોની સંખ્યા ઘટી જતા તોલ માપની કામગીરી ખોરંભે ચડી છે.
11 તારીખે સેન્ટર ચાલુ થયું ત્યારે રેગ્યુલર મજૂર હતા, પરંતુ ગઈ કાલે રાત્રે બિહાર અને ઉત્તર પ્રદેશ એમ બે મજૂરના જૂથ રાત્રે લડ્યા હતા. જેના કારણે અમુક મજૂરો ઘાયલ થઈ હોસ્પિટલમાં છે. પોલીસ અને દવાખાનાની પ્રક્રિયા ચાલે છે. એટલે જે 25 થી 27 કાંટા ચાલતા હતા, એ ઘટીને 11 કાંટા થઈ ગયા છે. મજૂરોના અભાવે અમે કામની ક્ષમતા પૂરી કરી શક્યા નથી.
હાલ અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, લેબર કોન્ટ્રાક્ટરને સૂચના આપીને વધુ મજૂરો બોલાવવામાં આવ્યા છે, પરંતુ અત્યારે તો ખેડૂતો પોતાની મહેનતનો પાક વેચવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે, સત્વરે મજૂરોની વ્યવસ્થા કરી ખરીદી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે.
