Rajkot News: 10થી 15 દિવસ પહેલા ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. નદીઓના પાણી ગામો અને ખેતરોમાં ઘૂસી ગયા હતા. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી તાલુકામાં ભારે વરસાદ અને પૂરના પાણી ખેતરોમાં ફરી વળવાથી ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. ગ્રામ્ય પંથકમાં ખેતરોનું અને જમીનોનું ધોવાણ થયું છે. ખેતરોમાં માટી ધોવાઈ ગઇ હોવાથી નવું વાવતેર થઇ શકે તેમ નથી. જેના કારણે કફોડી સ્થિતિમાં મુકાયેલા ખેડૂતો દ્વારા સરકાર તરફથી તાત્કાલિક ધોરણે સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ કરાઈ છે.
ખેડૂતોએ કહ્યુંઃ ખેતરોનું ધોવાણ થયું, કંઇ બચ્યું નથી
સમઢીયાળાના ખેડૂત ગોતમ ચીમનભાઈ નારિયાએ જણાવ્યું છેકે, ભારે વરસાદના કારણે ખેતરોમાં ઘણું ધોવાણ થયું છે. પાંચ-સાત ફૂટ ખાડા પડી ગયા છે. નુકસાની વધુ થઇ છે. માટી ક્યાંય મળે તેમ નથી. વાવેતર થઇ શકે તેવું નથી. કપાસ, મગફળી અને સોયાબીનના પાકને નુકસાન થયું છે. પશુઓ માટે ચારો પણ નથી. સરકાર દ્વારા તાત્કાલિક સહાય જાહેર કરવામા આવે તો અમે નવું વાવેતર કરી શકીએ તેમ છીએ.
અન્ય ખેડૂત ધીરુભાઈ બાબરિયાએ જણાવ્યું છેકે, સમઢીયાળાની આખી સીમમાં ભાદરનું, મોઢનું અને વેણુંનું પાણી આવવાથી ખેતરો ખેદાન-મેદાન થઇ ગયા છે. ખેતરોમાં પાંચ-પાંચ ફૂટના ખાડા પડી ગયા છે. કંઇ બચ્યું નથી. સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવે તો કદાચ વાવેતર થાય બાકી કંઇ થાય તેમ નથી.
સરકાર તાત્કાલિક સહાય જાહેર કરેઃ ગુજરાત કિસાનસભાના પ્રમુખ
ગુજરાત કિસાનસભાના પ્રમુખ ડાહ્યાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં 15 દિવસ પહેલાથી શરૂ થયેલા અતિભારે વરસાદના કારણે આ વિસ્તારમાં ઉપલેટા તાલુકાના સમઢીયાળાથી લઇને ભીમોળા સુધી ધોરાજી તાલુકાના મોટી મારણ પીપળીયાથી લઇ છેવાડાના છત્રસા સુધીના ગામડાઓની અંદર પાણી ખૂબ વહ્યા છે અને કારણે ખેતરો ધોવાયા છે. જમીનો ધોવાઈ ગઇ. પાકનો નાશ થયો છે. ગામડાઓમાં ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે. એ જ રીતે ખેડૂતોના ખેતીના સાધનો પણ તણાયા છે.
તેમણે વધુમાં કહ્યું કે પશુઓની જાનહાની થઇ છે. આ બધી ભારે નુકસાની અંગે સરકાર સર્વે કરવાની વાત કરી રહી છે પંરતુ ખેડૂતોની માગ છેકે તમે આ નુકસાની અંગે તાત્કાલિક ધોરણે કેબિનેટ મિટીંગ બોલાવી તેનું સહાય પેકેજ જાહેર કરો. સરકાર સહાય પેટે શું આપવા માગે તેની જાહેરાત કરે. સૌરાષ્ટ્રના 6 જેટલા જિલ્લાઓમાં મોટી માત્રામાં નુકસાની થઇ હોય ત્યારે ટૂંકી રકમનું પેકેજથી ખેડૂતોને અન્યાય થવાનો છે. આ બાબતે સરકારે તાત્કાલિક પેકેજ જાહેર કરવું પડશે. કૃષિમંત્રીએ આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું છે અને મુખ્યમંત્રીએ હવાઇ નિરીક્ષણ કર્યું છે. ત્યારે સરકારે એસડીઆરએફની યોજના અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તળે રાહત આપવામાં આવે તો ખેડૂતોને થોડેક અંશે કંઇક ફાયદો થઇ શકે છે.
