Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ અને વિછીયા પંથકમાં અવારનવાર બનતી દુષ્કર્મની ઘટનાઓએ ભારે ચિંતા જન્માવી છે, ત્યારે જસદણ પોલીસ મથકે વધુ એક અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાતા કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. શિવરાજપુરના એક આધેડે કારખાને જતી યુવતીને ફોસલાવી તેનું અપહરણ કરી 12 દિવસ સુધી તેની પર બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના શિવરાજપુર ગામનો મોહન પરમાર (45) નામનો શખ્સ પોતાની ઈકો ગાડીમાં ભાડા પેટે મજૂરોને દોરાના કારખાને લઈ જવાનું કામ કરે છે. જસદણ પંથકની એક પુખ્ત વયની યુવતી પણ મોહનની ગાડીમાં જ કામ પર કારખાને અવરજવર કરતી હતી.
ગત 4 ડિસેમ્બરના રોજ મોહને ભોગ બનનાર પીડિતાને કહ્યું હતું કે, કારખાનાની તમામ છોકરીઓ ફરવા માટે ચોટીલા ગઈ છે. જેમણે મને તને તેડવા માટે મોકલ્યો છે. જે બાદ આરોપી યુવતીને પોતાની ઈકો કારમાં અપહરણ કરીને અમદાવાદ લઈ ગયો હતો.
મોહને અમદાવાદમાં કોઈ અજાણી જગ્યાએ યુવતીને ગોંધી રાખી હતી. જ્યાં જાનથી મારી નાંખવાની ધમકી આપીને સતત 12 દિવસ સુધી યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતુ.
બીજી તરફ યુવતીનું અપહરણ થયાની જાણ થતાં જસદણ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરીને જસદણ તાલુકાની એક વાડીમાં મોહન પરમારને ઝડપી પાડ્યો હતો અને તેની ચુંગાલમાંથી પીડિત યુવતીને મુક્ત કરાવી હતી.
