Rajkot: શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે પુરપાટ ઝડપે દોડતાં ડમ્પરની ઠોકરે બાઈક ચડી જતાં સાત વર્ષના બાળક ઉપર ડમ્પરના વ્હીલ ફરી વળતા પિતાની નજર સામે જ પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું. લાલપરીમાં રહેતાં પિતા-પુત્ર બાઈક લઈ દવા લેવા જતાં હતાં ત્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી બાદમાં ડમ્પર મૂકી નાસી છૂટયો હતો. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતાં. આ બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા લાલપરીમાં શક્તિ સોસાયટી પાછળ રહેતાં જયસુખભાઈ માથાવાડીયા નામનો યુવાન તેના પુત્ર જગદીશને તાવ, શરદી થઈ હોવાથી પુત્રને બાઈક ઉપર લઈ દવા લેવા જતો હતો. આ દરમિયાન સવારે નવ વાગ્યાના અરસામાં મોરબી રોડ જકાતનાકા પાસે પહોંચતાં પુરપાટ ઝડપે આવતાં ડમ્પર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો
જેમાં જયસુખભાઈ ફંગોળાઈને રોડ પર પડયા હતાં. જ્યારે તેનો પુત્ર બાઈક સાથે ડમ્પરની નીચે આવી જતાં પુત્ર જગદીશ ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતાં પિતાની નજર સામે જ તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. ડમ્પર ચાલક અકસ્માત સર્જાયા બાદ વાહન રેઢુ મુકી ત્યાંથી નાસી છુટયો હતો. જ્યારે બનાવની જાણ થતાં બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી બાળકના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક જગદીશ ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું અને તેના પિતા ભંગાર વિણવાનું કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
