Rajkot: સંસારના ભૌતિક સુખ-સુવિધા અને મોહમાયાનો ત્યાગ કરીને સંયમના માર્ગે આગળ વધવું સરળ નથી, પરંતુ અહિંસા માટે જાણીતા જૈન સમાજમાં અનેક લોકો આવો કઠીન માર્ગ હોંશે-હોંશે અપનાવતા હોય છે. જૈન સમાજમાં દીક્ષા એક એવું તપ છે, જે આજના આધુનિક સમયમાં પણ વ્યક્તિને સંયમ શીખવાડે છે. જૈન સમાજમાં આજે પણ અનેક એવા વિરલા છે, જે ભૌતિક સુખ-સુવિધાનો ત્યાગ કરીને આત્માનો ઉદ્ધાર કરવા મોક્ષના માર્ગે નીકળી પડે છે. એવામાં રાજકોટમાં આગામી 3 મેના રોજ જૈન ભાગવતી દીક્ષા મહોત્સવની ઉજવણી થવાની છે. જેમાં મુંબઈના મુમુક્ષુ ડિમ્પલ વિરાણી સંયમ માર્ગે પ્રયાણ કરવાના છે.
હકીકતમાં આગામી 3જી મે શનિવારના રોજ રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ખાતે ગોંડલ સંપ્રદાયના રાજેશમુનિજી મહારાજના સાનિધ્યમાં જૈન ભાગવતી દીક્ષા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મૂળ મુંબઈના શ્રીમંત પરિવારના ડિમ્પલ વિરાણી અસાર એવા સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરે બતાવેલા માર્ગ એવા સંયમ માર્ગે પ્રયાણ કરશે. ખાસ વાત એ છે કે, ડિમ્પલ વિરાણી MBA સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે અને અનેક દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. જેઓ પોતાનું લાખો રૂપિયાનું પેકેજ છોડીને દીક્ષા ગ્રહણ કરી વીરની વિચરશે.
આ બાબતે ડિમ્પલ વીરાણીએ જણાવ્યું કે, નાનપણથી વૈરાગ્યભાવ તો હતો જ, પરંતુ બે વર્ષ અગાઉ 2023માં આ ભાવના દ્રઢ થઈ. આજનો જમાનો સ્માર્ટ વર્કનો છે. બધુ જ સ્માર્ટ થઈ ગયું છે. એવામાં મેં સ્માર્ટ કર્મ કરીને મોક્ષ માર્ગે આગળ વધવાનો નિર્ણય કર્યો છે.
