Rajkot News: રાજકોટના ધોરાજીના તોરણીયામાં પરિણીતા પર પતિ દ્વારા અત્યાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો એક બનાવ સામે આવ્યો છે. મેરેજ એપ્લિકેશન મારફત સાત મહિના પહેલા પીડિતાએ તોરણીયા ગામના યુવક સાથે લગ્ન કર્યા હતા. યુવતીને તેના પતિ દ્વારા બેરહેમીથી માર મારવમાં આવ્યો અને બચકા ભરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત પરિણીતાને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવી હતી. લગ્ન બાદ નણંદો મેણાટોણા મારી પતિને ચઢામણી કરી ત્રાસ આપતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધોરાજીનાં તોરણીયામાં રહેતી ભાવિશાબેન અંકીતભાઈ ખીસડીયા નામની 34 વર્ષની પરિણીતા રાત્રીનાં દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે પતિ અંકીત ખીસડીયાએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી હાથે બચકા ભરી લીધા હતાં. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં ભાવિશાબેનનો ભાઈ ધવલ ગૌસ્વામી રાજકોટમાં રહે છે. ભાવિશાબેને સાત માસ પૂર્વે મેરેજ એપ્લીકેશન મારફતે બીજા લગ્ન કર્યા છે અને અંકીત ખીસડીયા કાર લે-વેચનું કામ કરે છે. નણંદ ઉર્મિલાબેન અને સારિકાબેન મેણાટોણા મારી પતિને ચઢામણી કરતાં હોવાથી પતિએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.