Rajkot: સ્ટેટ સાયબર ક્રાઈમને મોટી સફળતા, ગૃહમંત્રીને ખૂનની ધમકી આપી ગંદી ગાળો ભાંડનાર ટપોરીને હૈદરાબાદથી દબોચ્યો

આરોપીએ પોતાના મિત્રના ઘરમાંથી દોઢ લાખ રૂપિયા ચોર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર કોલ કરીને કહ્યું- મારે રૂપિયાની જરૂર હોવાથી લઈ ગયો છું. ભૂલ થઈ છે, તો પૈસા ચૂકવી દઈશ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Mar 2026 05:24 PM (IST)Updated: Fri, 13 Mar 2026 05:24 PM (IST)
rajkot-news-cyber-crime-arrests-man-from-hyderabad-for-threatening-gujarat-home-minister
HIGHLIGHTS
  • ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની તરફેણમાં વીડિયો બનાવી વાયરલ કર્યો

Rajkot: ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની તરફેણ કરી તદ્દન અભદ્ર ભાષામાં વીડિયો બનાવી ગુજરાતના ગૃહમંત્રીને ગાળો ભાંડી ખૂનની ધમકી આપી વીડિયો વાયરલ કરનાર કોઠારીયા સોલવન્ટના રસુલપરામાં રહેતા ટપોરીને હૈદરાબાદથી ઝડપી લેવામાં આવ્યો છે.

અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની તરફેણ કરી અત્યંત અભદ્ર ભાષામાં આ વીડિયો બનાવી તેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે બેફામ વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ વીડિયો અંગે સ્ટેટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરતા આ વીડિયો કોઠારિયા વિસ્તારના રસૂલપરામાં રહેતા આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢા નામના શખસે બનાવી વાયરલ કર્યો હોવાનુ ખુલ્યું હતું.

આટલું જ નહીં, તેણે રાજકોટ પોલીસને પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી. ખાખીનો સહેજ પણ ખૌફ ન હોય તેવી રીતે વીડિયો બનાવી બેફામ વાણી વિલાસ કરતા શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જાગી હતી.

આ મામલે સ્ટેટ સાયબર ક્રાઇમ દ્વારા આ મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. બીજી તરફ વીડિયો બનાવનાર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢા સામે ચોરીની ફરિયાદ પણ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી.

રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે, તેના દાદાનું મકાન હિરાસર ગામ પાસે આવેલું હતું. જો કે એરપોર્ટની જગ્યામાં આ મકાન કપાતમાં જતા સરકાર તરફથી રૂપિયા 9.11 લાખ વળતર ચૂકવવામાં આવ્યું હતું. જે રકમમાંથી યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી. જે રકમ પૈકી રૂપિયા દોઢ લાખ યુવાનના પિતાએ રસુલપરામાં આવેલ ઘરે કબાટમાં તિજોરીમાં રાખ્યા હતા.

આ રકમ તેનો મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાએ ચોરી લીધી હતી. ચોરી કર્યા બાદ આશિફે ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરી યુવાનને કહ્યું હતું કે, મારે રૂપિયાની જરૂર હોવાથી તારા ઘરેથી પૈસા લઈ ગયો છું. જે બાદમાં તેણે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય અને પૈસા ચૂકવી દેશે તેવું જણાવતા યુવાને આ અંગે ફરિયાદ નોંધાવી નહતી. જો કે ઘણાં સમયતી રૂપિયા ચૂકવવામાં ગલ્લાતલ્લા કરતાં આખરે યુવકે મિત્ર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે પણ તપાસ શરુ કરી હોય ગુજરાતના ગૃહમંત્રીને ગાળો ભાંડી ખૂનની ધમકી આપી વિડીયો વાયરલ કરનાર કોઠારીયા સોલવંટના રસુલપરામાં રહેતા આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાને હૈદરાબાદથી ઝડપી લેવામાં આવ્યો હતો.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિક,ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી સી.એમ.પટેલની સુચના અને સાયબર ક્રાઈમના પી.આઈ જે.એમ કૈલા,પી.આઈ એસ.ડી.ગીલવાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમ તથા સાયબર સેન્ટીનલ લેબની મદદથી આરોપીની ધરપકડ કરી હતી.