Bharuch: નેત્રંગમાં હર્ષ સંઘવીનો વિરોધ પક્ષની વૉટ બેન્કની રાજનીતિ પર પ્રહાર- 'કોંગ્રેસ અને આપને આદિવાસીઓનો વિકાસ પચતો નથી'

'આપ' અને કોંગ્રેસ જેવા પક્ષોને ડર છે કે જો આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ આવશે, તો તેમની ખોટી માહિતી ફેલાવવાની દુકાનો બંધ થઈ જશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Mar 2026 05:01 PM (IST)Updated: Fri, 13 Mar 2026 05:01 PM (IST)
bharuch-news-harsh-sanghavi-slams-opposition-says-tribal-development-unacceptable-to-congress-and-aap
HIGHLIGHTS
  • AAPના હજારો કાર્યકરો પાર્ટીના કાર્યાલયને તાળા મારીને ભાજપમાં જોડાયા
  • ભાજપનો દરેક કાર્યકર આદિવાસી સમાજના સુખ-દુઃખમાં પડખે ઊભો હતો, સતત પડખે ઊભો છે, અને હંમેશા પડખે રહેશે

Bharuch: ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં 'આદિવાસી ગૌરવ સંમેલન'નું ભવ્ય આયોજન થયું હતું. હજારોની જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ આદિવાસી સમાજના શૌર્ય અને બલિદાનને સ્મરણ કરીને બિરદાવ્યું હતું.

આદિવાસી સમાજના શૌર્ય અને વિરાસતને યાદ કરીને હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભૃગુઋષિની પવિત્ર ભૂમિ ભરૂચ અને આદિવાસી સમાજનો વારસો વર્ષો જૂનો છે. ઇતિહાસ સાક્ષી છે કે, આદિવાસી ભાઈઓએ ક્યારેય વિદેશી તાકાતો સામે માથું ઝુકાવ્યું નથી.

સોમનાથની રક્ષા કાજે વેગડા ભીલનું બલિદાન હોય કે 1857નો વિપ્લવ, આદિવાસી રાજાઓ અને વીરોએ હંમેશા માતૃભૂમિની રક્ષા કરી છે. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 ભીલોની શહાદત આ માટીમાં આજે પણ શૌર્યની મહેક ફેલાવે છે.

AAP અને કોંગ્રેસને આદિવાસી વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની સુવિધા આવવાનો ડર (Tribal Development)

નાયબ મુખ્યમંત્રીએ વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, વર્ષો સુધી કોંગ્રેસે આદિવાસી સમાજને માત્ર 'વોટ બેન્ક' તરીકે વાપર્યો છે. સોશિયલ મીડિયાના યુગમાં સમાજના ભાગલા પાડનારા તત્વોને આદિવાસીઓની ઉન્નતિ પચતી નથી.

'આપ' અને કોંગ્રેસ જેવા પક્ષોને ડર છે કે, જો આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક જેવી સુવિધાઓ આવશે, તો તેમની ખોટી માહિતી ફેલાવવાની દુકાનો બંધ થઈ જશે.

naidunia_image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 પછી આવેલા પરિવર્તનની વાત કરતા તેમણે જણાવ્યું કે, અંબાજી થી ઉમરગામ સુધી વિકાસની હારમાળા સર્જાઈ છે. પીએમ આવાસ, ઘરે ઘરે શૌચાલય, હર ઘર નલ સે જલ અને ખેડૂતોને વાર્ષિક 6000ની સહાય જેવી યોજનાઓ સીધી લાભાર્થીઓ સુધી પહોંચી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં દરેક તાલુકામાં આધુનિક શાળાઓ અને બિરસા મુંડા લાયબ્રેરી બનાવવાનો સંકલ્પ લેવાયો છે. આદિવાસી નેતાઓને સન્માન આપતા ભાજપે ગણપતભાઈ વસાવાને વિધાનસભાના અધ્યક્ષ પદ સુધી પહોંચાડ્યા અને આજે પણ ચાર ચાર મંત્રી આદિવાસી સમાજના છે, જે સમગ્ર આદિવાસી સમાજની ચિંતા કરીને તેમના પ્રશ્નોના સમાધાન કરીને વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યા છે.

આ સંમેલનમાં ઝઘડિયાના 'આપ'ના પૂર્વ ઉમેદવાર ઉર્મિલાબેન સહિત હજારો કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની આદિવાસી વિરોધી માનસિકતાને કારણે આગેવાનો અને કાર્યકરો હવે આપના કાર્યાલયને તાળાં મારીને કોઈ પણ હોદ્દાની લાલચ વિના વિકાસની રાજનીતિ સાથે જોડાઈ રહ્યા છે.

આ સાથે જ હર્ષ સંઘવીએ આદિવાસી સમાજને ખાતરી આપી હતી કે ભાજપનો દરેક કાર્યકર તમારા સુખ-દુઃખમાં પડખે ઊભો હતો, સતત પડખે ઊભો છે, અને હંમેશા પડખે રહેશે.

હર્ષ સંઘવીએ આદિવાસીના ઘરે ભોજનનો સ્વાદ માણ્યો

પોતાના ભરૂચ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામમાં રહેતા આદિવાસી સમાજના સૂરજભાઈ વસાવાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં તેમણે વસાવા પરિવારના સભ્યો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. હર્ષ સંઘવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે.

naidunia_image