Rajkot: રાજકોટમાં નકલી પોલીસ બનીને લોકોને લૂંટી લેતા અને તોડ કરતાં શખ્સનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. જોકે, આ વખતે નકલી પોલીસ બનેલા શખ્સને અસલી પોલીસે પીછો કરીને ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ આરોપી અગાઉ પાંચ-પાંચ વખત નકલી પોલીસ બનીને તોડ કરવાના કેસમાં ઝડપાયેલો છે અને એક વખત પાસા (PASA) હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો છે. તેમ છતાં ફરી જેલમાંથી બહાર આવી તેણે છઠ્ઠી વખત લૂંટ ચલાવતા આખરે પોલીસે તેને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ પણ વાંચો
શહેરના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી બરકતીનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા સમીરભાઈ મુલતાની (42) આ નકલી પોલીસનો શિકાર બન્યા હતા. તેમણે નામચીન આરોપી મિહિર કૂંગસિયા સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદી સમીરભાઈ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા પોતાના વતનમાંથી ભાગવત સપ્તાહમાં હાજરી આપી ગઈકાલે સાંજે 7 વાગ્યે એસ.ટી. બસ મારફતે રાજકોટ બસપોર્ટ પર ઉતર્યા હતા. બસ સ્ટેન્ડ પાછળની ચાની હોટલે ચા પીધા બાદ તેઓ ઘરે જવા માટે ભૂતખાના ચોક પહોંચી રીક્ષામાં બેઠા હતા.
રીક્ષા નાગરિક બેંક ચોક પહોંચી ત્યારે એક એક્સેસ ચાલકે રીક્ષાને આંતરી હતી. આ શખ્સે પોતે ક્રાઇમ બ્રાન્ચમાં હોવાનું જણાવી સમીરભાઈને રીક્ષામાંથી નીચે ઉતાર્યા હતા અને "તમારા પર કેસ થયો છે" તેમ કહી બાઇકમાં બેસાડી ગાયત્રી મેઈન રોડ પર લઈ ગયો હતો.
