Rajkot: રાજકોટમાં 18 વર્ષ પહેલા મહાનગરપાલિકામાં પાણી પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા કોંગીજનોના ટોળાએ તત્કાલીન મ્યુ.કમિશનર મુકેશકુમારની ચેમ્બરમાં બઘડાટી બોલાવી તોડફોડ કરી ફરજમાં રૂકાવટ કરવાના કેસમાં રાજકોટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ઈન્દ્રનીલ રાજ્યગુરુ, જશવંતસિંહ ભટ્ટી સહિત 9 આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.
નીચેની કોર્ટના હુકમ સામે સરકાર દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલ ચાલી જતા સેશન્સ કોર્ટે સરકાર પક્ષે કરવામાં આવેલી અપીલ રદ કરી નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખતો આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ વર્ષ-2004માં રાજકોટ મ્યુ.કમિશનર મુકેશકુમારને પાણી પ્રશ્ને શહેર કોંગ્રેસના આગેવાનો અને નગરસેવકો રજૂઆત કરવા ગયા હતા. આ સમયે વાતાવરણ ઉગ્ર બનતા કમિશનરની ચેમ્બરમાં તોડફોડ કરી, કમિશનરના ચશ્મા તોડી, સરકારી કાગળો ફાડી નાખી નુકશાન કરી તેમજ ફરજમાં રૂકાવટ કર્યાની એ. ડિવિઝન પોલીસ મથકમાં વિજિલન્સ શાખાના પી.આઈ. જાડેજાએ ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, તત્કાલીન કોંગી કોર્પોરેટર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, નિતીન નથવાણી, શકીલ રફાઈ, જાડેજા, બહાદુર સિંધવ, વિજય ચૌહાણ, કોંગી અગ્રણી પ્રવિણ સોરાણી, ગોવિંદ સભાયા, જ્યુભાઈ મસરાણી, વશરામભાઈ સાગઠિયા જગદીશ પુરબીયા અને જયંત ઠાકર સહિત 13 લોકો સામે ગુનો નોંઘ્યો હતો.
પોલીસ સ્ટાફે તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરતા તમામનો જામીન ઉપર છુટકારો થયો હતો. તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યુ હતું. જે કેસની સુનાવણી હાથ ધરવામાં આવતા સરકાર તરફે કમિશનર મુકેશકુમાર, તપાસનીસ અને ફરીયાદીને તપાસવામાં આવેલા હતા.
તેમજ કેસની સુનાવણી દરમ્યાન ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હોવાથી તેઓને એબેટ કરવામાં આવ્યા હતા. જ્યારે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત-મૌખિક દલીલમાં તત્કાલીન મ્યુનિ.કમિશનર મુકેશકુમારની જુબાની જોતા કોઈ પણ વ્યકિત સામે નામજોગ જુબાની આપેલ નથી. તેમજ આરોપીઓએ કોઈ પણ પ્રકારની ચોક્કસ ભૂમિકા ભજવેલ ન હોય બનાવ અંગે તમામ સાહેદોમાં વિરોધાભાષ નિવેદનો છે.
હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ અને બચાવ પક્ષની દલીલ ઘ્યાને લઈ એડિશનલ ચીફ.જયુડિ.મેજિસ્ટ્રેટે તમામ શખસોને શંકાનો લાભ આપીને છોડી મુકવા હુકમ કર્યો હતો. નીચેની કોર્ટના હુકમ સામે સરકાર પક્ષે ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જે અપીલ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટ દ્વારા નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખી કોંગી અગ્રણીઓને નિર્દોષ મુક્ત કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં બચાવ પક્ષે એડવોકેટ તરીકે દિપક ત્રિવેદી, પથીક દફતરી, ભાવીન દફતરી, નુપુર દફતરી, નેહા દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, હાર્દિક મહેતા, વિક્રાંત વ્યાસ, પાર્થ જાની, હસમુખભાઈ પરમાર અને પરેશ કુકાવા રોકાયા હતા.
