Rajkot: ઈન્દિરા સર્કલ ખાતે સિટી બસ દુર્ઘટના બાદ કોંગ્રેસ ડ્રાઈવર તેમજ એજન્સીની અને અધિકારીઓની જવાબદારી સહિતના મુદ્દે તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેવી જ રીતે હાલમાં હીટવેવના કારણે અનેક ઈલેક્ટ્રીક બસ બંધ થઈ જતાં મનપાને કરોડો રૂપિયાની ફોલ્ટ વાળી બસ પધરાવી દેવામાં આવી છે. તે સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આજે રમકડાની બસો લઈ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરના ટેબલ ઉપર બસ દોડાવતા પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી. આમ છતાં કોંગ્રેસે એજન્સીને કેટલો દંડ કરવામાં આવ્યો છે તે સહિતની વિગત જાહેર કરવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું.
કોંગ્રેસે રજૂઆત સાથે જણાવ્યું કે, સિટી બસ બાબતે અગાઉ કમિશનરને આવેદનપત્ર અપાયા બાદ તેનો કોઈ યોગ્ય હકારાત્મક કે નકારાત્મક જવાબ ન મળતા આજરોજ કોંગ્રેસના આગેવાનો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી અને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના 50 જેટલા આગેવાનો મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે ઘસી ગયા હતા અને ઉગ્ર સુત્રોચાર કરી 'ન્યાય આપો, ન્યાય આપો- પીડિતોને ન્યાય આપો', 'ભાજપનો ભ્રષ્ટાચાર બંધ કરો', 'સિટી બસમાં ચાલતી ખોટ અંગે ભ્રષ્ટાચારીઓને કડક સજા કરો' સહિતના સૂત્રો સાથે કમિશનર કચેરી ગજવી મૂકી હતી. આ સાથે જ કમિશનરને આવેદનપત્રની સાથે રમકડાની બસો અર્પણ કરી કમિશનરના ટેબલે બસો મૂકતા પોલીસની કમાન છટકી હતી પોલીસ સાથે ઝપાઝપી થઈ છતાં કમિશનરના ટેબલે બસો ફરતી કરવામાં આવી હતી.
ઈલેક્ટ્રીક સિટી બસ મુદદ્દે કોંગ્રેસે આજે કોર્પોરેશન કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી મ્યુનિસિપલ કમિશનરને આવેદન પાઠવી જણાવેલ કે, રાજકોટ શહેરમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસની દુર્ઘટના બાદ સિટી બસનું તંત્ર વામણું અને માયકાગલુ થઈ ગયું છે. ડ્રાઇવરોની હડતાલ અને ગરમીને કારણે બંધ કરાયેલી સિટી બસોને કારણે શહેરીજનોને હાલાકી ભોગવવી પડે છે.
ભાજપના મળતીયાઓ અને શહેરમાં વિશ્વમ કંપની અને PMI પર નારાયણ કંપનીનો કોન્ટ્રાકટ હોવાનું જાણવા મળેલ છે તો આ કોન્ટ્રાક્ટરની કાયદેસરતા કેટલી ? હાલ અમોને મળેલ માહિતી મુજબ, શહેરમાં 126 સીટી બસો બંધ છે. તો આ બંધ પડેલી સીટી બસો ક્યારે શરૂૂ કરવામાં આવશે તેની તંત્ર જાહેર જનતા સમક્ષ પ્રેસના માધ્યમથી જાણ કરે. અગાઉ બ્લુ રંગની ડીઝલ બસો બંધ કરીને સવા કરોડની એક એવી 234 બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઇલેક્ટ્રીક BRTS અને CNG બસ સમાવિષ્ટ થાય છે જોકે ગરમીને કારણે એક બાદ એક 126 સીટી બસો બંધ છે.
