Rajkot: ગણેશ જાડેજા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. થોડા સમય પહેલા ગણેશ જાડેજાએ ફેંકેલા પડકારને ઝીલીને આજે અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર અગ્રણીઓ ગોંડલની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ગણેશ ગોંડલના સમર્થકોએ અલ્પેશ કથીરિયાના કાફલા સામે કાળા વાવટા અને હાય-હાયના સુત્રોચાર કરીને પોતાનો વિરોધ નોંધાવતા થોડા સમય માટે વાતાવરણ તંગ પણ બન્યું હતુ. આ ઘટનાને લઈને આજે આખો દિવસ ગોંડલનું રાજકારણ ગરમ રહ્યું હતુ. એવામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ અંગે જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા 30 વર્ષથી હું ગોંડલના જાહેર જીવન સાથે સંકળાયેલો છું, મેં ક્યારેય પણ અહીં અશાંતિ જોઈ નથી. ગોંડલમાં શાંતિનો માહોલ છે અને કોઈ ગુંડાગીરી દેખાતી નથી. ગોંડલમાં ગુંડાગીરી છે, ગોંડલને બદનામ કરવા મિરઝાપુર સાથે સરખાવવામાં આવ્યું છે. ગોંડલમાં કોઈ પોતાની દીકરી આપતું નથી. આ બધું ગોંડલને બદનામ કરવા માટે કોંગ્રેસ પ્રેરિત ષડયંત્ર છે.
આ ગોંડલની જનતાનો આક્રોશ છે. અહીં બહારથી આવેલા લોકોને જાકારો આપવા માટે ગોંડલના તમામ સમાજના નાગરિકો બહાર નીકળ્યા. કોઈ ગોંડલની શાંતિ હણવાનો પ્રયાસ કરે, તો તેમને ગોંડલની જનતાનો આ જવાબ છે. જે રીતે ગોંડલની જનતાએ જવાબ આપ્યો, તેનાથી મોટો મારો કોઈ જવાબ નથી. મારા માટે જનતા જ સર્વોપરી છે.
અત્યારે કોઈ ચૂંટણી નથી, આમ છતાં સુરતથી આગેવાનો આવી પહોંચ્યા છે. આ લોકો એવું માને છે કે, ગોંડલમાં પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે. આથી તેમને ઉશ્કેરવાથી અમને રાજકીય રીતે ફાયદો થશે. જો કે પાટીદાર આંદોલન વખતે PAAS તરીકે નાપાસ થયેલા લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે.
ભાજપનો ખેસ પહેરેલા અલ્પેશ કથીરિયા ગોંડલમાં આવીને પાર્ટીનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બાબતે હું હાઈકમાન્ડને પણ ફરિયાદ કરીશ. આગામી 10 મહિનાની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને માર્કેટ યાર્ડની ચૂંટણી આવવાની છે. આથી મારી તમને વિનંતી છે કે, તમે અણવર ના બનશો, વરરાજા બનીને આવો. ગોંડલની જનતા તમને ચોક્કસ જવાબ આપશે.
બીજી તરફ ગીતાબા જાડેજાએ જણાવ્યું કે, વિરોધીઓનું કામ તો વિરોધ કરવાનું જ છે. જો કે તેનાથી ગોંડલની ધર્મપ્રિય જનતાને કોઈ ફેર પડવાનો નથી. વિરોધ કરવાની દરેકને છૂટ છે. આ સર ભગવતસિંહની ભૂમિ છે અને ગોંડલની ધર્મપ્રિય જનતા છે. જે પોતાની જાતે સ્વયંભુ આવ્યા છે અને વિરોધીઓને જવાબ આપવા તત્પર બન્યા છે. આ તમામ લોકોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું.
