Rajkot: ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકીના પુત્ર વચ્ચે થયેલી મારામારી અને અપહરણના ચકચારી કેસમાં આજે એક મહત્વનો વળાંક આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે અને જયરાજસિંહ જાડેજા તેમજ રાજુ સોલંકી વચ્ચે વિધિવત રીતે સમાધાન થયું છે.
આજે ગોંડલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને એક વિશેષ બેઠક મળી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને દલિત સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં બંને પક્ષોએ મનદુઃખ ભૂલીને એક થવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો
સમાધાન બાદ જયરાજસિંહ જાડેજાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ સમાધાન સંપૂર્ણપણે પારિવારિક ભાવનાથી થયું છે. સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ ચાલતી રૂપિયાની લેતીદેતીની વાતો પાયાવિહોણી છે. રાજુ સોલંકીએ મારી પાસે માત્ર એક જ પ્રસ્તાવ મૂક્યો હતો કે, તેઓ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરવા માંગે છે, જેમાં મેં તેમને આર્થિક મદદ કરવાની ખાતરી આપી છે.
શું હતો સમગ્ર વિવાદ?
ગત 30 મે, 2025ના રોજ જૂનાગઢના કાળવા ચોકમાં કાર ચલાવવા બાબતે સંજય સોલંકી અને ગણેશ જાડેજાના માણસો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ગણેશ જાડેજા અને તેના સાગરિતોએ સંજય સોલંકીનું અપહરણ કરી તેને ગોંડલ લઈ જઈ ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો. આ મામલે ગણેશ જાડેજા સહિત 8 લોકો સામે હત્યાની કોશિશ અને એટ્રોસિટી હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરાયા હતા. જ્યારે સામે પક્ષે પોલીસે રાજુ સોલંકીના પરિવાર પર ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતા મામલો વધુ ગરમાયો હતો.
જયરાજસિંહ જાડેજાએ આ તકે અનિરુદ્ધસિંહ (રિબડા) પર પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે, "આ આખા પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં અને સમાજમાં ગેરસમજ ઉભી કરવામાં રિબડા જૂથનો મોટો હાથ રહ્યો છે. રાજુ સોલંકી જેલમાં હતા ત્યારે તેમને કોઈ સહકાર મળ્યો નહોતો."
આ સમાધાનથી ગોંડલ અને જૂનાગઢના રાજકારણમાં ચાલી રહેલી તંગદિલીમાં ઘટાડો થવાની શક્યતા છે. બંને પક્ષોએ હવે કાયદાકીય પ્રક્રિયામાં પણ સહકાર આપી આ પ્રકરણને પૂર્ણ કરવાની તૈયારી દર્શાવી છે.
