Rajkot: શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. એવામાં વધુ એક બનાવમાં કોલેજ જવા નીકળેલી બે યુવતીના સ્કૂટરને ડમ્પરના ચાલકે ઉલાળતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગંભીર રીતે ઘવાયેલી સ્કૂટર સવાર છાત્રાનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ચાલક યુવતીનો આબાદ બચાવ થયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના બજરંગવાડીમાં રહેતી જુહી તરૂણભાઇ નળીયાપરા (19) નામની વિદ્યાર્થિની સવારે તેની બહેનપણી નિશા મેરૂભાઇ રાણંગાના એક્ટિવા પાછળ બેસીને કોલેજ જવા નીકળી હતી. બંને બહેનપણી હનુમાન મઢી ચોકમાં પહોંચી હતી, ત્યારે ડમ્પર નં. GJ-36-T-0197ના ચાલકે એક્ટિવા ઉલાળતા બંને બહેનપણી સ્કૂટર સહિત ફંગોળાઇ ગઈ હતી.
જેમાં જૂહી નળીયાપરા ડમ્પરની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જે બાદ ગંભીર રીતે ઘવાયેલી યુવતીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં યુવતીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક જુહી નળીયાપરા બે બહેન અને એક ભાઇમાં મોટી હતી અને કણસાગરા કોલેજમાં બીકોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા તરૂણભાઇ નળીયાપરાને નાના મવા રોડ આંબેડકરનગર સર્કલ પાસે મોબાઇલ ફોનની દુકાન છે. તે સવારે ઘરેથી નીકળે, ત્યારે દિકરી જુહીને પોતાના વાહનમાં બેસાડી શીતલપાર્ક પાસે ઉતારતાં હતાં. જ્યાંથી જૂહી નળીયાપરા સાથે અભ્યાસ કરતી અને જામનગર રોડ શેઠનગર પાસે નંદનવન સોસાયટીમાં રહેતી બહેનપણી નિશા રાણંગાના સ્કૂટરમાં બેસી જતી હતી.
નિત્યક્રમ મુજબ જૂહીના પિતા તરુણભાઈ આજે પણ પુત્રીને શીતલપાર્ક પાસે ઉતારીને જતા રહ્યા હતા. બંને બહેનપણી નિત્યક્રમ મુજબ કોલેજ જવા નીકળી અને હનુમાન મઢી ચોક હનુમાજીના મંદિર પાસે પહોંચી હતી, ત્યારે ડમ્પરની ઠોકરે ચડી ગઇ હતી. જેમાં એક્ટિવા ચાલક નિશાનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે જુહી ડમ્પરની હડફેટે ચડી જતાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પોસ્ટમોર્ટમ રૂમ ખાતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં. મૃતકની સાથે ભણતી વિદ્યાર્થિનીઓ પણ દોડી આવી હતી. સ્વજનો પરિવારના આક્રંદથી ગમગીની વ્યાપી ગઇ હતી. અકસ્માત સર્જી નાસી છૂટેલો ચાલક ગણતરીની કલાકોમાં જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.જીવલેણ અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ આર. એસ. મેઘાણી સહિતના સ્ટાફે તપાસનો દોર લંબાવ્યો છે.