'તેરે દિન અચ્છે હૈ..! બાવળિયા-સોલંકી વચ્ચે કૉલ્ડ વૉરઃ દિલ્હીમાં 7 દિવસના અંતરે કોળી સમાજના બે સમાંતર સંમેલનથી રાજકારણ ગરમાયું

કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપે 21 જૂને દિલ્હીમાં સંમેલન યોજવાની જાહેરાત કરી. તે સાથે જ પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ 14 જૂને અધ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Jun 2026 07:03 PM (IST)Updated: Tue, 09 Jun 2026 07:03 PM (IST)
rajkot-news-cold-war-between-koli-samaj-leader-kunvarji-bavaliya-and-hira-solanki-meeting-in-delhi
HIGHLIGHTS
  • હીરા સોલંકીનો અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાથેનો વીડિયો વાયરલ

Koli Samaj Cold War: ગુજરાતમાં વગર ચૂંટણીએ કોળી સમાજમાં જૂથવાદ સપાટી ઉપર આવ્યો છે અને કોળી સમાજનાં બે જૂથોએ અલગ અલગ સંમેલનો યોજતા ભારે ચકચાર જાગી છે. દેશના સૌથી મોટા સામાજિક સંગઠનોમાંના એક અખિલ ભારતીય કોળી સમાજમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી છે.

હકીકતમાં જૂન મહિનામાં માત્ર સાત દિવસના અંતરે દિલ્હીમાં બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યા છે, જેના કારણે કોળી સમાજમાં અસમંજસ અને રાજકીય ચર્ચાઓનો માહોલ સર્જાયો છે.

નોંધનીય છે કે, 14મી જૂને કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં અધિવેશન અને 21 જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં અધિવેશન યોજાવાનું છે. ચર્ચા તો એવી પણ છે કે, કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી વચ્ચે કથિત કોલ્ડવોર ચાલી રહી છે. આ કથિત કોલ્ડવોરના ભાગરૂપે દિલ્હીમાં અધિવેશન બોલાવવામાં આવ્યું હોઈ શકે છે.

naidunia_image

અખિલ ભારતીય કોળી સમાજના વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ દ્વારા 21 જૂન, 2026ના રોજ દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય અધિવેશન બોલાવવામાં આવ્યું છે. જોકે આ જાહેરાત બાદ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પણ 14 જૂન, 2026ના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે અલગ રાષ્ટ્રીય અધિવેશન યોજવાની જાહેરાત કરી છે. સમાજના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે, એક જ સંગઠનના નામે માત્ર એક સપ્તાહના અંતરે બે અલગ-અલગ રાષ્ટ્રીય અધિવેશનો યોજાશે.

કોળી સમાજના આગેવાન પ્રવીણ કોળીએ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું કે, દેશભરમાં અંદાજે 25 કરોડ જેટલી કોળી જ્ઞાતિની વસ્તી છે અને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ માત્ર સામાજિક નહીં પરંતુ રાજકીય રીતે પણ મહત્વ ધરાવે છે.

વિવિધ રાજકીય પક્ષો દ્વારા આવા હોદ્દેદારોને વિશેષ સન્માન અને પ્રતિનિધિત્વ આપવામાં આવતું હોય છે. સાત દિવસના અંતરે બે-બે રાષ્ટ્રીય અધિવેશન યોજાવા સમાજ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

naidunia_image

'હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે'

અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હીરા સોલંકીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હીરા સોલંકી અખિલ ભારતીય રાષ્ટ્રીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ સાથે જોવા મળ્યા છે. હીરા સોલંકી આ વીડિયોમાં જણાવે છે કે, તેરે દિન અચ્છે હૈ, તું હમસે કિનારા કર લે, હમ તો બુરે લોગ હૈ, બુરે વક્ત મેં ભી કામ આયેંગે. 21 તારીખના રોજ વિરેન્દ્ર કશ્યપના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાષ્ટ્રીય અધિવેશનને હીરા સોલંકીનો ટેકો હોવાની ચર્ચા થઈ રહી છે.

સમાજના આગેવાનોના મતે, એક તરફ ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં કોળી સમાજના લોકો સાથે થતા અન્યાય અને પ્રતાડનાના મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ત્યારે સમાજને વધુ મજબૂત અને સંગઠિત કરવાની જરૂર છે. જો કે વર્તમાન પરિસ્થિતિમાં સમાજના બે ભાગ પડી રહ્યા હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે.

પ્રવિણ કોળીએ ગુજરાતના હોદ્દેદારો અને સમાજના સભ્યોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સમાજની એકતા જળવાઈ રહે તે માટે બંનેમાંથી કોઈપણ અધિવેશનમાં હાજરી આપવી જોઈએ નહીં અને સૌએ સંગઠનને એક રાખવાના પ્રયાસો કરવા જોઈએ.

બે અલગ-અલગ અધિવેશનની જાહેરાત બાદ દેશભરના કોળી સમાજમાં મૂંઝવણનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજના અનેક આગેવાનો માને છે કે આ સ્થિતિ સંગઠનની એકતાને અસર કરી શકે છે.

14 જૂને કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં યોજાનાર અધિવેશન અને 21 જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં યોજાનાર અધિવેશનમાં કેટલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારો હાજરી આપે છે તેના પર સૌની નજર રહેશે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં એવી ચર્ચા છે કે, બંને અધિવેશનો કોળી સમાજમાં ભવિષ્યના નેતૃત્વ અને સંગઠનની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જોકે હાલની સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દેશના કરોડો કોળી સમાજજનો એકતા તરફ આગળ વધશે કે પછી નેતૃત્વના વિવાદ વચ્ચે વધુ વિભાજનનો સામેનો કરશે.