Rajkot: જસદણમાં વૃંદાવન રેસીડન્સીમાં રહેતા વેપારીએ ઘર પાસે આવેલ પ્લોટમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. 60 વર્ષિય વેપારીએ પરિવાર સાથે ગૃહકલેશના કારણે પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જસદણની વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા વેપારીએ બાજુમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં લીમડા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. આ બનાવની જાણ થતા તાત્કાલિક જસદણ પોલીસ ઘટના સ્થળે પહોંચી લીમડાના ઝાડ પરથી મૃતદેહને ઉતાર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર મૃતકની ઓળખ બચુભાઈ ભલસોડ (60) તરીકે થઈ છે. જેઓ આદમજી રોડ પર દુકાન ધરાવી કાપડનો વેપાર કરે છે. છેલ્લા કેટલાક સમયથી બચુભાઈને તેમના પરિવારજનો સાથે મનભેદ ચાલી રહયો હતો. દરરોજ થતી માથાકૂટથી વેપારી કંટાળી ગયા હતા.
અત્યારે ગળાકાપ સ્પર્ધાના જમાનામાં મૃતક વેપાર અને પરિવાર વચ્ચે તાલમેલ ના કરી શક્યા, જેના પરિણામે ઘરમાં દરરોજ ઝઘડા થવા લાગ્યા હતા. આખરે ઘર કંકાશથી કંટાળીને વેપારીએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે વેપારીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
