Rajkot: રાજકોટની સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમમાં ફરજ બજાવતા 8 જેટલા ડ્રાઇવરો પોતાની કામગીરી બંધ કરીને ઘરે જતા રહ્યા છે. ડ્રાઇવરોના આ રીતે અચાનક ચાલ્યા જવાના કારણે હોસ્પિટલનો ડ્રાઇવર રૂમ સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે. ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ જવાની ભીતિ વચ્ચે હોસ્પિટલમાં આવતા ગંભીર દર્દીઓ અને તેમના સબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ફરજ પરથી ઉતરી ગયેલા એમ્બ્યુલન્સ ડ્રાઇવરોએ તંત્ર અને એજન્સી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ડ્રાઇવરોનું કહેવું છે કે, હોસ્પિટલની મોટાભાગની એમ્બ્યુલન્સ ગાડીઓ એકદમ કંડમ અને બિસ્માર હાલતમાં છે, જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં છે. આ ગાડીઓનું સમયસર કોઈ કામ કે મેઈન્ટેનન્સ કરવામાં આવતું નથી, જેથી જીવના જોખમે ગાડીઓ ચલાવવી પડે છે.
આ ઉપરાંત ડ્રાઇવરોને અવારનવાર દૂરના લાંબા રૂટ પર મોકલવામાં આવે છે અને તેમની પાસે ઓવર ટાઈમ કરાવવામાં આવે છે, પરંતુ તેનું કોઈ પણ પ્રકારનું મહેનતાણું કે પૈસા ચૂકવવામાં આવતા નથી.
પગાર ધોરણ અંગે પોતાની વ્યથા ઠાલવતા ડ્રાઇવરોએ જણાવ્યું કે, તેમનો ફિક્સ પગાર રૂપિયા 17,000 નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ તેમાંથી દર મહિને રૂ. 2,000 પ્રોવિડન્ટ ફંડ (પીએફ) પેટે કાપી લેવામાં આવે છે અને તેમના હાથમાં માત્ર રૂપિયા 15,000 જ આવે છે. મોંઘવારીના આ સમયમાં આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
આ અન્યાયી પગાર કાપ, પીએફના પ્રશ્નો અને અન્ય પડતર માંગણીઓને લઈને આજે હોસ્પિટલના આર.એમ.ઓ. સાથે ડ્રાઇવરોની એક તબક્કાની મિટિંગ યોજાઈ હતી. જોકે, આ મિટિંગમાં હજુ સુધી કોઈ ચોક્કસ સુખદ ઉકેલ આવી શક્યો નથી. આ વિવાદનો અંત લાવવા માટે આજે સાંજે ફરી એક વખત આર.એમ.ઓ. સાથે ડ્રાઇવરોની મહત્વની બેઠક યોજાનાર છે, જેમાં દર્દીઓની હાલાકી દૂર થાય અને ડ્રાઇવરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.
