Rajkot: રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટમાં રહેતી ત્યક્તાને વંથલીમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં શખ્સે લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગે રાજકોટની ભાગોળે રહેતી ત્યક્તાએ વંથલીના ટીમઈસ ગામમાં રહેતા અને રાઘવ ટ્રાવેલ્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતાં રાહુલ લાખાભાઈ હુંબલ વિરુદ્ધ દુષ્કર્મ, મારામારી તેમજ ધમકીની ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો
પોતાની ફરિયાદમાં પીડિતાએ જણાવ્યા મુજબ, 2022માં તે સુરતથી કેશોદ રૂટની રાઘવ ટ્રાવેલ્સની બસમાં રાજકોટથી જૂનાગઢ અવર-જવર કરતી હતી. આ દરમિયાન તેનો બસના ડ્રાઈવર રાહુલ હુંબલ સાથે પરિચય થયો હતો.
ગત 1 એપ્રિલ, 2022ના રોજ પીડિતાની મોટી દીકરીનું અવસાન થયું હતુ, જ્યારે પતિ દારૂના રવાડે ચડી ગયો હોવાથી તે ડિપ્રેશનમાં સરી પડી હતી. આ સમયે ફોન પર વાતચીત થતાં પીડિતા અને આરોપી રાહુલ એકબીજાની નજીક આવ્યા હતા.
રાહુલે પીડિતાને પોતાના ઘરે આવવા તેમજ પરિવાર સાથે મળવાથી દુ:ખ હળવું થશે તેમ કરીને ઘરે બોલાવી હતી. જેથી પીડિતા રાહુલના ઘરે પહોંચી હતી, જ્યાં તે આરોપીની પત્ની અને બે સંતાનોને મળી હતી.
પીડિતાનો પતિ દારૂના રવાડે ચડી ગયો હોવાથી રાહુલે તેને આવું દુ:ખ સહન ના કર અને પતિને છૂટાછેડા આપી દેવા સમજાવી હતી. આ સમયે પીડિતાએ કહ્યું હતું કે, હું પતિને છૂટાછેડા આપી દઉ, તો પછી મારું કોણ?
જેથી રાહુલે આશ્વાસન આપતા જણાવ્યું કે, તુ છૂટાછેડા લઈ લે પછી હું તારી સાથે લગ્ન કરી લઈશ અને તને તેમજ તારા સંતાનોને સાચવી લઈશ. આથી મહિલા 23 સપ્ટેમ્બરના રોજ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા. જેના થોડા દિવસ બાદ પીડિતા ઘરમાં એકલી હતી, ત્યારે રાહુલ આવી પહોંચ્યો હતો અને બળજબરીથી શરીરસબંધ બાંધ્યો હતો. જે બાદ અવારનવાર રાહુલ ઘરે આવીને પીડિતાનું યૌન શોષણ કરતો હતો.
એક વખત રાતે પીડિતાના બાળકો સૂતા હતા, ત્યારે પણ રાહુલ ઘરે આવી પહોંચ્યો હતો અને શરીર સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જો કે પીડિતાએ સબંધ બાંધવાનો ઈનકાર કરતાં હવસખોર રાહુલે તેના ખભા અને શરીરે બચકાં ભર્યા હતા. આ સાથે જ ધમકી આપી હતી કે, આ વાતની કોઈને જાણ કરીશ, તો જીવતી નહી રહેવા દઉ. તને કોઈને મોંઢુ બતાવવા લાયક પણ નહીં રાખું.
આ ઘટના બાદ આઘાતમાં સરી પડેલી મહિલાએ આખરે પોલીસની મદદ માંગી હતી. જ્યાં રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા PI હરીપરા સહિતના સ્ટાફે રાહુલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
