Rajkot: જસદણ નજીક બેકાબુ બસ પલટી, તુલસી વિવાહમાં જતાં 22 શ્રદ્ધાળુઓ ઘાયલ; 2ની હાલત ગંભીર

50થી વધુ લોકો બસમાં જમણવાર માટે નવાગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જીવાપર નજીક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Nov 2025 05:16 PM (IST)Updated: Sat, 01 Nov 2025 05:16 PM (IST)
rajkot-news-bus-turn-turtle-near-jivapar-village-at-jasdan-22-injured
HIGHLIGHTS
  • આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા
  • ઈજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ નજીક આવેલા જીવાપર ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત તુલસી વિવાહના પ્રસંગમાં જમવા જઈ રહેલી બસને નડ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ બસમાં 50થી પણ વધારે લોકો સવાર હતા, જેઓ જસાપરથી નવાગામ તરફ જમણવાર માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન જીવાપર ગામ નજીક બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી અને પલટી મારતા મોટો અકસ્માત સર્જાયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર લોકો પૈકી 22 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તો પૈકી બે લોકોને વધુ ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત અંગેની જાણ થતાં જ આટકોટ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી તેમજ અકસ્માતના ચોક્કસ કારણની તપાસ હાથ ધરી છે.