Rajkot: રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરવામાં આવતા જ શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે લોકોનો આક્રોશ જોઇ ભાજપના ધારાસભ્યો પણ સક્રિય થયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને નુકસાન ના જાય, તે માટે હેલ્મેટના કાયદાની કડક અમલવારી નહીં કરવા સરકારમાં ધા નાખી છે.
રાજકોટના ભાજપના ધારાસભ્યો ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળ્યા હતા અને હેલમેટના કાયદાની અચાનક કડક અમલવારી તથા દંડ ઉઘરાવવાના બદલે હાલ ગુલાબનું ફુલ આપી હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો કરવા રજૂઆત કરી હતી.
ધારાસભ્યોએ વાહન ચાલકો સાથે બળજબરી કરવાના બદલે સ્વૈચ્છીક હેલમેટ પહેરતા થાય તેવા પ્રયાસો કરવા રજૂઆત કરી હતી. જેના પગલે ગૃહમંત્રીએ પણ રાજકોટ પોલીસને હેલ્મેટના કાયદાનો અમલ કડકાઇ પૂર્વક નહીં કરવા સુચના આપી હોવાનું ધારાસભ્યોએ જણાવ્યું હતું.
રાજકોટના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, હેલ્મેટના મામલે અમે રાજકોટની જનતા સાથે છીએ. વાહન ચાલકો હેલ્મેટ પહેરે તે માટે જાગૃતિ કેળવવા છેલ્લા બે માસથી કાર્યક્રમો ચાલી રહ્યા હતા. ગઇકાલથી પોલીસે અચાનક કડક અમલવારી શરૂ કરતા લોકોમાં નારાજગી જોવા મળી છે, ત્યારે કડક અમલવારીના બદલે વાહન ચાલકોને જાગૃત કરી સ્વયં હેલમેટ પહેરતા થાય તેવા પ્રયાસો કરવા રજૂઆત કરાઇ હતી. અમે પણ આગ્રહ કરીએ છીએ કે વાહન ચાલકોએ સલામતી માટે હેલ્મેટ પહેરવી જોઇએ.
