ગોંડલમાં ભાજપનું શક્તિ પ્રદર્શનઃ જયરાજસિંહ જાડેજાના આગવા અંદાજમાં વિરોધીઓ પર પ્રહાર, કહ્યું- 'આ વેબ સિરીઝ વાળું મિર્ઝાપુર નથી'

ધારાસભ્ય ગીતાબા જાડેજાના નેતૃત્વમાં નીકળેલી રેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટતા ગોંડલ કેસરિયા રંગે રંગાયું, 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા ગુંજ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 10 Apr 2026 06:38 PM (IST)Updated: Fri, 10 Apr 2026 06:38 PM (IST)
rajkot-news-bjp-mega-rally-in-gondal-shows-massive-strength-ahead-of-gujarat-local-body-polls
HIGHLIGHTS
  • ગણેશ ગોંડલનું કાર્યકરોને ચૂંટણીના કામમાં લાગી જવા આહવાન

Rajkot: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો (Gujarat Local Body Polls) જંગ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહેતા ગોંડલ પંથકમાં આજે ભારતીય જનતા પાર્ટીએ જંગી મહારેલી યોજીને પોતાની રાજકીય તાકાતનો પરચો આપ્યો હતો.

ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં નીકળેલી આ રેલીમાં સમર્થકોનું ઘોડાપૂર ઉમટતા સમગ્ર શહેર કેસરીયા રંગે રંગાયું હતું.

સવારે 11 કલાકે દાસીજીવણ પાર્ટી પ્લોટ ખાતેથી આ મહારેલીનું પ્રસ્થાન થયું હતું. રેલીમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ ટોળીયા, અશોકભાઈ પીપળીયા સહિત જિલ્લા અને તાલુકાના અનેક દિગ્ગજ આગેવાનો અને મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શહેરના મુખ્ય માર્ગો જેવા કે બસ સ્ટેન્ડ રોડ, ગુંદાળા દરવાજા, ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક અને માંડવી ચોક પરથી જ્યારે રેલી પસાર થઈ, ત્યારે 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ્'ના નારાથી આખું ગોંડલ ગુંજી ઉઠ્યું હતું.

માર્ગમાં આવતા તમામ મહાપુરુષોના સ્ટેચ્યુને હારતોરા કરી સન્માનવામાં આવ્યા હોવાનું જિલ્લા પ્રેસ મીડિયા સહ ઇન્ચાર્જ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

રેલી દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પોતાના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મિર્ઝાપુર વેબ સિરીઝનો સંદર્ભ ટાંકીને જણાવ્યું હતું કે, 'છેલ્લા બે વર્ષથી બહારના લોકોએ ગોંડલને બદનામ કરવાના મિથ્યા પ્રયત્નો કર્યા છે, પરંતુ 28 તારીખે જનતા તેમને જડબાતોડ જવાબ આપશે.

આ મિર્ઝાપુર નથી, પરંતુ મહારાજા સર ભગવતસિંહજીનું સંસ્કારી ગોંડલ છે. તેમના આ નિવેદનથી કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો. યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાએ પણ યુવા કાર્યકરોને ચૂંટણીના કામે લાગી જવા આહવાન કર્યું હતું.