Rajkot: જસદણમાં પતંગ ચગાવવા બાબતે માથાકૂટ થતાં યુવક પર હિચકારો હુમલો, ખુન્નસથી છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાંખ્યો

હુમલાખોર બન્ને યુવકો નશાની હાલતમાં હોવાનો આક્ષેપ. યુવક પર હુમલાની જાણ થતાં પાટીદાર અગ્રણીઓ તેમજ લોકોના ટોળા સરકારી હોસ્પિટલમાં દોડી આવતા પોલીસ કાફલો દોડતો થયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 14 Jan 2026 07:05 PM (IST)Updated: Wed, 14 Jan 2026 07:05 PM (IST)
rajkot-news-attack-on-patidar-youth-at-jasdan-over-kite-flying-dispute
HIGHLIGHTS
  • યુવકને પીઠ અને જમણા હાથના ભાગે છરી વાગતા ગંભીર ઘાયલ
  • હોસ્પિટલમાં યુવકને પીઠના ભાગે 15 ટાંકા લઈ જીવ બચાવ્યો

Rajkot: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ચિતલીયા કૂવા રોડ પર પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી બાદ એક યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં ઘવાયેલા યુવકને 15 ટાંકા લેવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ચિતલીયા કૂવા રોડ વિસ્તારમાં વિશાલભાઈ છાયાણી નામના યુવકને પતંગ ચગાવવા બાબતે સ્થાનિક શખ્સો સાથે માથાકૂટ થઈ હતી. છોકરાઓને પતંગ ચગાવવા બાબતે થયેલી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં સાવન હિરપરા અને તેના મિત્રએ ઉશ્કેરાઈ જઈ વિશાલભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં વિશાલભાઈને શરીરના બે ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ખાસ કરીને પીઠના ભાગે ઊંડો ઘા વાગતા 15 જેટલા ટાંકા લેવા પડ્યા છે, જ્યારે જમણા હાથ પર પણ ગંભીર ઈજાઓ થઈ છે. જે બાદ વિશાલભાઈને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ યુવક પર જીવલેણ હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકોના ટોળા સરકારી હોસ્પિટલે એકઠા થયા હતા. ભોગ બનનાર વિશાલભાઈએ આક્ષેપ કર્યો હતો કે, હુમલો કરનાર બંને શખ્સો નશાની હાલતમાં હતા.

naidunia_image

આ ઘટનાની જાણ થતા જ જસદણ પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે ભોગ બનનારનું નિવેદન નોંધી હુમલો કરનારા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવાની અને તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.