Rajkot News: આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટની મુલાકાતે હતા, જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કપાસના ભાવ, સુરતના બેરોજગાર કારીગરો અને કોંગ્રેસ પર ગઠબંધનના મુદ્દે નિવેદનો આપ્યા હતા.
કિસાન મહા પંચાયત મોકૂફ, કેજરીવાલના પ્રહાર
કેજરીવાલે જણાવ્યું કે ગુજરાતમાં ઘણા સમય પછી આટલી મોટી કિસાન મહા પંચાયત મળવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે તેને સ્થગિત કરવી પડી છે. તેમણે કહ્યું કે પંચાયતના સ્થળે બે-બે ફૂટ પાણી ભરાઈ ગયા હતા. તેમણે કપાસ પકવતા ખેડૂતો માટે આયાત વેરો હટાવવાની માંગ કરી હતી અને કહ્યું કે 19 ઓગસ્ટથી કપાસ પરની 11 ટકા આયાત ડ્યુટી હટાવી દેવામાં આવી છે. આના કારણે ભારતના ખેડૂતોના કપાસ કરતા અમેરિકાથી આયાતી કપાસ સસ્તો પડશે, જેના પરિણામે ખેડૂતોને તેમના કપાસના ઉત્પાદનનો યોગ્ય ભાવ નહીં મળે.
કેજરીવાલે જણાવ્યું કે આ વખતે ખેડૂતો કપાસ વેચવા જશે તો તેમને માત્ર રૂ. 900નો જ ભાવ મળશે. તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર અમેરિકા સામે બેબસ બની ગઈ છે. તેમણે એક અફવાને ટાંકીને કહ્યું કે અમેરિકામાં અદાણી વિરુદ્ધ કેસ ચાલે છે અને તેમને સજા ન થાય તે માટે સરકાર ટ્રમ્પને નારાજ કરવા માંગતી નથી. કેજરીવાલે ચેતવણી આપી કે આ સ્થિતિમાં ખેડૂતો આપઘાત કરવા મજબૂર થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કેજરીવાલે 2013નો દાખલો આપતા કહ્યું કે તે સમયે ગુજરાતમાં 20 કિલો કપાસનો ભાવ રૂ.1500 થી રૂ.1700 મળતો હતો. પરંતુ આજે 11 વર્ષ પછી પણ ખેડૂતોને રૂ.1500 તો દૂર, રૂ.1200 અને હવે અમેરિકી કપાસ સસ્તી થતા રૂ.900થી પણ ઓછા ભાવ મળી રહ્યા છે.
સુરતના કારીગરો બેરોજગાર બન્યા: કેજરીવાલ
કેજરીવાલે કપાસના ખેડૂતો ઉપરાંત હીરાના કારીગરો પર આવેલા મોટા સંકટ અંગે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે, અમેરિકાએ ભારતથી અમેરિકા જતા હીરા પર 50% ટેરિફ લગાવી દીધો છે. સુરતમાં હીરાને તૈયાર કરવાનું કામ કરતા લાખો કારીગરો આના કારણે બેઘર થઈ ગયા છે અને તેમની પાસે બાળકોની ફી ભરવા કે બે ટંકના ભોજન માટે પૈસા નથી.
કોંગ્રેસ પર પણ પ્રહાર, ગઠબંધનનો ઇન્કાર
કેજરીવાલે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે આવા મુદ્દાઓ પર કોંગ્રેસ ચૂપ છે. તેમને હીરાના કારીગરોમાં રસ નથી. તેમણે જણાવ્યું કે તેઓ પંજાબમાં હતા, જ્યાં પૂરની પરિસ્થિતિને કારણે 1800થી વધુ ગામડાં પ્રભાવિત થયા છે અને 3 લાખથી વધુ લોકો મુશ્કેલીમાં છે.