રાજકોટ માટે નવા યુગની શરૂઆતઃ સૌરાષ્ટ્રના સૌ પ્રથમ 38 માળના બિલ્ડિંગને મંજૂરી, નવા રિંગ રોડ પર 475 ફૂટનો રહેણાંક-કોમર્શિયલ ટાવર બનશે

રાજકોટને મેટ્રો લેવલના વિકાસ તરફ લઈ જવાનો મુખ્ય ધ્યેય. આ પ્રોજેક્ટ શહેરને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે. રાજકોટમાં આધુનિક, સસ્ટેનેબલ અને આયોજનબદ્ધ વિકાસને વેગ મળશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Nov 2025 08:46 PM (IST)Updated: Wed, 26 Nov 2025 08:46 PM (IST)
rajkot-news-approval-for-saurashtras-first-38-story-building-on-the-new-ring-road
HIGHLIGHTS
  • પરસાણા ચોક નજીક 145 મીટર ઊંચી ગગનચુંબી ઈમારતનું નિર્માણ થશે

Rajkot: રાજકોટ શહેરના અર્થતંત્ર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક શહેરી આયોજનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યાર સુધીની સૌથી ઊંચી 38 માળની ગગનચુંબી ઇમારતના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત સરકારની Tall Building Policy અનુરૂપ અને નવા વિકાસલક્ષી દ્રષ્ટિકોણને આગળ વધારતા આ નિર્ણય શહેરના અર્બન લેન્ડસ્કેપને મેટ્રોપોલિટન સ્તરે પહોંચાડશે. 145 મીટર ઊંચી આ ઇમારત ન માત્ર સૌરાષ્ટ્રની પ્રથમ ગગનચુંબી ઇમારત બનશે, પરંતુ ભવિષ્યમાં શહેરમાં ઊભરતા આકાશી વિકાસ માટે પ્રેરક તબક્કો પણ સાબિત થશે.

ઇમારતમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સસ્ટેનેબલ ડિઝાઇન, ફાયર સેફ્ટી નોર્મ્સ, ગ્રીન બિલ્ડિંગ સિસ્ટમ્સ, પુષ્કળ પાર્કિંગ, તેમજ આરામદાયક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યુ હતું.

રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, Tall Building Policy અંતર્ગત પ્રાપ્ત થતી નવી તક હેઠળ ઉંચાઈવાળા વિકાસને પ્રોત્સાહન મળશે, જેમાં શહેરની જમીનની કાર્યક્ષમતા વધશે, વધારે ઓપન સ્પેસ અને આયોજન બદ્ધ ટ્રાફિક સુગમતા મળશે, આધુનિક વ્યાપારી અને રહેણાંક પ્રોજેક્ટ્સનો માર્ગ મોકળો થશે, શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનો અર્બન ડેવલપમેન્ટ મોડેલ વિકસશે.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ટોલ બિલ્ડિંગ પૉલિસીને અનુસરતા શહેરમાં આધુનિક, સસ્ટેનેબલ અને આયોજન બદ્ધ વિકાસને વધુ વેગ મળશે. રાજકોટને મેટ્રો લેવલના વિકાસ તરફ લઈ જવુંએ RMCનું મુખ્ય ધ્યેય છે. આ પ્રોજેક્ટ શહેરને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે.

આ ગગનચુંબી ઇમારત રહેઠાણ, બિઝનેસ અને શહેરી જીવન સુવિધાઓ ઑલ ઈન વન મોડેલ તરીકે શહેરના વિકાસને નવી દિશા આપશે. તે સાથે રોજગાર તકોમાં વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુણાત્મક સુધારો થશે. શહેરના હોરાઇઝનમાં વિશ્વસ્તરીય ઓળખ જેવા વિસ્તૃત ફાયદાઓ પ્રાપ્ત થશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલ આ મહત્વપૂર્ણ નિર્ણય સાથે રાજકોટનું ભવિષ્ય વધુ આત્મ નિર્ભર, આધુનિક અને દૃઢ બની રહ્યું છે. શહેરની તસુહશક્ષય હવે વધુ ઊંચી, વધુ મજબૂત અને વધુ આયોજનબદ્ધ બનવા જઇ રહી છે.

આ ઇમારતની મંજૂરી અન્વયે ફાયરસેફ્ટી, ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન તથા વિન્ડ લોડ કેપેસિટીના તમામ સલામતી ધોરણોનું સઘન પરીક્ષણ કરવામાં આવ્યું છે. સત ડેવલપર્સના પાર્ટનર મનસુખભાઇ એલ. ભીમાણી તથા ભાવેશ પટેલ સહિતની ટીમ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ પ્રોજેક્ટ શહેરમાં વિકાસના નવા માઈલસ્ટોન તરીકે ઉભરી આવશે.

ડેવલપર જણાવે છે કે આ વિકાસ રાજકોટને ’વિકાસશીલ અને આધુનિક શહેર’ તરીકેની તેની ઓળખને વધુ મજબૂત બનાવશે. કમિશનરએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર આકર્ષણ જ નહીં, પરંતુ વિકાસની દિશામાં વધુ એક પગલું આગળ ભરશે.