વાલીઓ પર મોંઘવારીનો વધુ એક મારઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લાની 8 હજાર ખાનગી શાળાઓની ફીમાં ધરખમ વધારો

સંચાલકોની દલીલ- શાળાઓમાં કાર્યરત હજારો શિક્ષકો સહિત કર્મચારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવો પડે છે. તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓને અપડેટ રાખવા મેન્ટેનન્સનો ખર્ચ સતત વધ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 06 Jun 2026 07:56 PM (IST)Updated: Sat, 06 Jun 2026 07:56 PM (IST)
rajkot-news-another-blow-of-inflation-on-parents-hike-in-fees-of-8000-private-schools-in-6-districts-of-saurashtra
HIGHLIGHTS
  • અગાઉ સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ ભાડામાં 10 ટકાના વધારાની જાહેરાત કરી હતી
  • 5 થી 7 ટકા ફી વધારવામાં આવતા સ્કૂલ ફી 1500 થી 5000 રૂપિયા જેટલી વધી જશે

Rajkot: એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાંથી વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ઝોન હેઠળ આવતી આશરે 8,000 ખાનગી શાળાઓમાં શિક્ષણ ફીમાં 5 થી 7 ટકાનો ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

આ વધારાને કારણે વાલીઓના ખિસ્સા પર સીધી અસર પડશે. ફીમાં થયેલો આ વધારો 1,500 થી 5,000 સુધીનો છે.આ નવો ફી વધારો આગામી 8 જૂનથી જ્યારે શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થશે અને શાળાઓ ફરી શરૂ થશે, ત્યારથી લાગુ કરવામાં આવશે.

સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઈ કાનગડે જણાવ્યું કે,આ ફી વધારો કોઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નિયમ મુજબ જ આ નિર્ણય લેવાયો છે.

સંચાલકોના મતે, શાળાઓમાં કાર્યરત હજારો શિક્ષકો અને અન્ય કર્મચારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવો પડે છે. શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓને અપડેટ રાખવા માટે મેન્ટેનન્સનો ખર્ચ સતત વધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન અને કાગળ સહિતની વસ્તુઓના ભાવમાં થયેલો વધારો પણ ફી વધારા માટે જવાબદાર છે.

ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા તમામ હિસાબો તપાસ્યા બાદ જ 5 થી 10 ટકા સુધીના વધારાને મંજૂરી આપવામાં આવે છે, જે વ્યાજબી છે. યુનિફોર્મ અને પુસ્તકોમાં ખાસ મોટો ભાવ વધારો કરવામાં આવ્યો નથી, પરંતુ અન્ય ખર્ચાઓને જોતા આ નિર્ણય અનિવાર્ય બન્યો છે. વાલીઓ માટે આ વધારો આર્થિક બોજ સમાન છે.

ઘણી ખાનગી શાળાઓમાં પહેલેથી જ ફીનું ભારણ વધુ હોય છે ત્યારે આ વધારાને કારણે મધ્યમ વર્ગના વાલીઓમાં રોષ અને ચિંતાની લાગણી જોવા મળી રહી છે. જોકે, સંચાલક મંડળનું કહેવું છે કે વાલીઓ પોતાની આર્થિક પરિસ્થિતિ મુજબ શાળાની પસંદગી કરે છે.

સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકાયો

અગાઉ રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આગામી 8 જૂનથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10 ટકાનો ભાવ વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું કે, 'બે વર્ષ પહેલાં CNGનો પ્રતિ કિલો ભાવ રૂ.76 હતો, જે વધીને 88 થયો છે. છેલ્લા બે વર્ષથી અમે કોઈ ભાવવધારો કર્યો ન હતો. જો કે હવે ઇંધણના સતત વધતા ભાવ અને સ્પેરપાર્ટ્સના ખર્ચમાં થયેલા તોતિંગ વધારાને કારણે અમારે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ ભાડા વધારવાનો નિર્ણય લેવો પડ્યો છે.