Rajkot News: રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓની જામકંડોરણા ખાતે યોજાય વાર્ષિક સાધારણ સભા

Rajkot News: રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે સહકારી ક્ષેત્રનો મહાકુંભ યોજાયો હતો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સહિત જિલ્લાની સાત મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા (AGM) એક ભવ્ય માહોલમાં મળી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 28 Sep 2026 10:06 PM (IST)Updated: Mon, 28 Sep 2026 10:06 PM (IST)
rajkot-news-annual-general-meeting-of-rajkot-districts-cooperative-societies-held-at-jamkandorna

Rajkot News: રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે સહકારી ક્ષેત્રનો મહાકુંભ યોજાયો હતો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક સહિત જિલ્લાની સાત મહત્વપૂર્ણ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા (AGM) એક ભવ્ય માહોલમાં મળી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ખેડૂતો અને સહકારી મંડળીઓ માટે મોટી જાહેરાતોનો વરસાદ કર્યો હતો, જેમાં ધિરાણ મર્યાદા વધારવાથી લઈને વ્યાજ માર્જિન અને ઈન્સેન્ટિવ સુધીની જાહેરાતો સામેલ છે. બીજી તરફ, કેબિનેટ મંત્રીએ પણ મગફળીની ખરીદીના રજીસ્ટ્રેશનની મુદત લંબાવવાની મોટી જાહેરાત કરી છે.

જામકંડોરણાની ધરતી પર આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક, રાજકોટ ડેરી અને ખરીદ વેચાણ સંઘ સહિતની સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના ઐતિહાસિક નિર્ણયોને યાદ કર્યા હતા, જેના થકી આજે ૨.૫૦ લાખ ખેડૂતોને ૦% વ્યાજે ધિરાણ મળી રહ્યું છે. ગત વર્ષના મુકાબલે બેંકની ડિપોઝિટ ૯,૭૭૦ કરોડથી વધીને ૧૧,૪૦૦ કરોડે પહોંચી છે અને બેંકે ૨૦૦ કરોડથી વધુ નફો કરી મંડળીઓને ૧૫% ડિવિડન્ડ પણ ચૂકવ્યું છે


આ સાધારણ સભામાં જયેશ રાદડિયા દ્વારા ખેડૂતો અને મંડળીઓ માટે છ મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં આગામી વર્ષ માટે ૫૦૦૦ કરોડના કે.સી.સી. (KCC) ધિરાણ પર મંડળીઓ માટે દોઢ ટકા વ્યાજ માર્જિન, કૃષિ તત્કાલ લોનની મર્યાદા 7 લાખથી વધારીને ૧૦ લાખ, અને કૃષિ વિકાસ લોનની મર્યાદા 4 લાખથી વધારીને 6 લાખ કરવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત, નવીન કામગીરી કરનાર મંડળીના મંત્રીઓ માટે 10,000 ના પ્રોત્સાહક ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી.

બીજી તરફ, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ પણ ખેડૂતોની ચિંતા દૂર કરતા ટેકાના ભાવે મગફળીની ખરીદીના રજીસ્ટ્રેશનની મુદત ૨૫ ઓક્ટોબર સુધી લંબાવવાની મહત્વની જાહેરાત કરી હતી.