Sadbhavna Balad Ashram Rajkot:સામાન્ય રીતે અબોલ પશુઓ અને ગાયો માટે ઘણા આશ્રમો હોય છે, પરંતુ ગુજરાતના રાજકોટ ખાતે શરૂ કરાયેલો આ આશ્રમ એવો છે જ્યાં ખાસ બળદોને સાચવવામાં આવે છે. સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલા આ બળદ આશ્રમમાં હાલ 3000થી પણ વધુ બળદોની સેવામાં 50 લોકોનો સ્ટાફ ખડેપહેરે છે. અહીં રોજના 3000 મણથી વધુ ચારાની જરૂર પડે છે અને આ સંસ્થા સંપૂર્ણપણે લોક સહયોગ અને દાનથી ચાલે છે.
ચાલુ વર્ષે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ખંભાળિયા અને દ્વારકા જેવા કેટલાક વિસ્તારોમાં માત્ર અડધાથી એક ઇંચ જ વરસાદ પડ્યો હોવાથી સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. ખેડૂતો પાસે પશુઓને પીવડાવવા પાણી અને ખવડાવવા ઘાસ નથી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે નાના ખેડૂતો પોતાના સ્વજન સમાન બળદોને સાચવી શકવામાં અસમર્થ છે.પોતાના સંતાનની જેમ ઉછેરેલા અને ખેતરમાં રાત-દિવસ સાથે કામ કરનારા બળદોને આશ્રમમાં છોડતી વખતે ખેડૂતો ભાવુક બની રહ્યા છે. પશુઓને ભૂખ્યા-તરસ્યા મરતા ન જોઈ શકવાના કારણે લાચાર ખેડૂતો ભારે હૈયે અને ધ્રુજકે રડીને બળદોને આશ્રમમાં સોંપી રહ્યા છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના રહેવાસી અને વ્યવસાયે ખેડૂત એવા પ્રવીણભાઈ પટેલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ નહિવત્ હોવાથી ઘાસ અને પાણીની ભારે અછત સર્જાઈ છે. પશુઓને સાચવવા મુશ્કેલ બનતા તેઓ પોતાના બે બળદને ખંભાળિયા ખાતે આવેલા સદ્ભાવના બળદ આશ્રમ માં મૂકવા આવ્યા છે.
પ્રવીણભાઈના જણાવ્યા પ્રમાણે આ સંસ્થામાં બળદોની ઉત્તમ સંભાળ રાખવામાં આવે છે. અહીં પશુઓની સારવાર માટે ડૉક્ટરોની ટીમ સતત હાજર રહે છે અને ઘાસ-ચારાની પણ ઉત્તમ વ્યવસ્થા છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે, અહીં બળદ છોડવા માટે ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી; તમામ સેવા બિલકુલ મફત પૂરી પાડવામાં આવે છે.
