Rajkot: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત પોરબંદરના જામકંડોરણા ખાતે ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયા તેમજ પોરબંદર અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા અને અરવિંદ લાડાણીના સમર્થનમાં વિશાળ વિજય સંકલ્પ સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે સુરતમાં બિનહરીફ ભાજપની જીતનો ઉલ્લેખ કરવા સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સવાલનો પણ જવાબ આપ્યો હતો.
પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીના બે ચરણ પૂર્ણ થયા છે, તેમાં રાહુલબાબાના સૂપડા સાફ થઈ ગયા છે. દેશની જનતાએ આ વખતે નક્કી કરી લીધું છે કે, ફિર એક બાર મોદી સરકાર. દેશ નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા કટિબદ્ધ છે. દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચારેય દિશાઓમાં હું જ્યાં પણ જાઉં છું ત્યાં ફક્ત મોદી.. મોદી…ના નારા ગુંજી રહ્યાં છે.
ગુજરાતની જનતાએ 2014 અને 2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપાની જોળીમાં આપી હતી. આ વખતે સુરતની બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થતાં ભાજપ પાસે છે, ત્યારે બાકીની 25 બેઠક પર કમળનું બટન દબાવી જનતા ભાજપાને ફરી વિજયી બનાવશે. મનસુખભાઈ માંડવીયાના નામની સામેના કમળનાં બટનને દબાવવાથી તમારો મત સીધો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા માટે જશે.
અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિ અને વોટની લાલચમાં કોંગ્રેસે 70 વર્ષથી કાશ્મીરમાં કલમ 370ને દત્તક લીધેલા બાળકની જેમ ખોળામાં રમાડી અને અયોધ્યામાં પ્રભુ રામના મંદિર નિર્માણના મુદ્દાને અટકાવી, લટકાવી, ભટકાવી રાખ્યો.
નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી કલમ 370 ને હટાવી તેમજ 500 વર્ષથી અસ્થાયી જગ્યાએ રહેલા પ્રભુ રામ તેઓના ગૌરવને છાજે તેવા ભવ્યાતિભવ્ય મંદિરમાં બિરાજમાન થયા.
કોંગ્રસના 80થી વધુ વર્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે કે, ગુજરાત અને રાજસ્થાનને કાશ્મીર સાથે શું લેવા દેવા? પણ એ ભૂલી ગયા છે કે આ જામકંડોરણાનો એક-એક યુવાન કાશ્મીર માટે જીવ આપવા તૈયાર છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ કહેતા કે, કલમ 370 હટાવશો તો લોહીની નદીઓ વહેશે, પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાંકરીચાળો પણ ન થયો અને કલમ 370 હટી ગઈ.
આજે કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ કોરિડોર બન્યા છે, બદ્રીનાથ, કેદારનાથ સોમનાથ સહિતના સુપ્રસિદ્ધ મંદિર ભવ્ય બની રહ્યા છે. નરેન્દ્ર મોદીએ દેશની સાંસ્કૃતિક અસ્મિતાને જાળવવાનું, ગૌરવ અપાવવાનું અને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે.
વધુમાં અમિત શાહે જણાવ્યું કે, જ્યારે દેશમાં સોનિયા ગાંધી-મનમોહન સિંહની સરકાર હતી, ત્યારે દેશમાં છાશવારે આતંકવાદી હુમલાઓ થતાં, બોમ્બ ધડાકાઓ થતાં અને નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવવો પડતો અને તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહ હંમેશા મૌની બાબા બનીને બેસી જતા.
2014 માં જનતાએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવ્યા અને આતંકવાદીઓએ આદત પ્રમાણે હુમલો કર્યો પણ ત્યારે એ ભૂલી ગયા કે આજે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે અને દેશમાં ભાજપની સરકાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સામે કઠોર વલણ અપનાવતા દેશની સેનાએ સર્જીકલ અને એયર સ્ટ્રાઈક કરી સરહદ પાર જઈને આતંકીઓનો સફાયો કર્યો.
નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને નકસલવાદનો સફાયો કરવાનું કાર્ય કર્યું છે. UPAના શાસનમાં ભારત વિશ્વનું 11મું મોટું અર્થતંત્ર હતું જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે અને ત્રીજી ટર્મમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે એ મોદીની ગેરંટી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત અને સમૃદ્ધ કરવાનું કાર્ય કર્યું છે.
શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના 25 કરોડ નાગરિકોને ગરીબી રેખામાથી બહાર લાવવાનું કાર્ય કર્યું છે. શૌચાલય નિર્માણ, આવાસ યોજના, ઉજ્જવલા યોજના, નલ સે જલ, 5 લાખ સુધીની મફત સારવાર, જન ઔષધી કેન્દ્રો થકી સસ્તી દવાઓ, 80 કરોડ નાગરિકોને વિનામૂલ્યે અનાજ સહિતની યોજનાઓનો દેશના કરોડો નાગરિકોને પ્રત્યક્ષ રૂપથી લાભ થયો છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો ઉલ્લેખ કરતા શાહે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કપરા કાળમાં કોઈ પ્રકારની ગભરાહટ અને ઉશ્કેરાટ વગર તદ્દન શાંત ચિત્તે મનસુખભાઇએ 140 કરોડ નાગરિકોના કોરોના વેક્સિન અભિયાનને સંભાળ્યું અને આરોગ્ય વ્યવસ્થા સુદ્રઢ કરવાનું કાર્ય કર્યું છે. 2014 પહેલા દેશમાં 7 AIIMS હતી જે આજે 22 છે, મેડિકલ સીટો 51 હજાર હતી જે આજે 1.10 લાખથી વધુ છે.
શાહે કોંગ્રસની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, 10 વર્ષ UPA સરકારે ગુજરાતને અન્યાય કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું, 2004 થી 2014 સુધી યુપીએના સમયમાં ગુજરાતને કેન્દ્રમાંથી રૂ.1,22,000 કરોડ મળ્યા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં ગુજરાતને રૂ.5,95,000 કરોડ મળ્યા છે. કોંગ્રેસે હંમેશા જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને એક પરિવાર સિવાય બીજો કોઈ મોટો નેતા જ ન હોઈ શકે તેવી માનસિકતા સાથે મહાત્મા ગાંધીના યોગદાનને ભૂલાવવાનો અને સરદાર પટેલનું નામોનિશાન મિટાવવા પ્રયાસ કર્યા.
PM મોદીએ ગુજરાતના કેવડિયામાં દેશની જનતાને સરદાર સાહેબ માટે જે અપાર સન્માન છે તેના અનુરૂપ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી સમગ્ર દુનિયામાં તેમનું નામ અમર બનાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2047 માં વિકસિત ભારતના સંકલ્પ સાથે અવિરતપણે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં મોદીએ કોંગ્રેસે કરેલા ખાડાઓ ભર્યા છે, આગામી પાંચ વર્ષ વિકસિત ભારતની ઇમારતનો પાયો નાખવાના વર્ષ છે. નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન અભૂતપૂર્વ કામગીરી થકી ગુજરાતના નામને દુનિયામાં ઉજવળ કર્યું છે, ગાંધી અને સરદારના ગુજરાતને નવી ઓળખ આપી છે.
ગુજરાતના વિકાસ મોડલના આધારે વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે. નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાનો મતલબ એટલે આતંકવાદ અને નક્સલવાદ થી મુક્તિ, ભારતના યુવાનોને વૈશ્વિક સ્તરનું પ્લેટ ફોર્મ અને મહાન ભારતની રચના.
શાહે સૌરાષ્ટ્રના કપડા દિવસો યાદ કરતા જણાવ્યું કે, 80ના દાયકામાં સૌરાષ્ટ્રએ જળસંકટનો સામનો કર્યો, ટેન્કર રાજ ચાલતું, ગાંધીનગર થી રાજકોટ ટ્રેનમાં પાણી લાવવું પડતું. પોરબંદર ખાતે બોર્ડ લાગેલા કે કાયદો વ્યવસ્થાની હદ અહીં પૂરી થાય છે, પોરબંદરની હદ શરૂ થાય છે. સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્વોની ગુંડાગીરી અને દાદાગીરી ચાલતી. નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપની સરકારે નર્મદા, મહી સહિતની નદીઓના પાણી ખેડૂતના ખેતરોએ પંહોચાડ્યા, સૌની યોજનાથી નર્મદાનું પાણી કચ્છના ખાવડા સુધી પહોંચ્યું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત થઈ.
કોંગ્રેસ પાર્ટીના શાસનમાં ગામમાં 8 કલાક વીજળી મળતી, જ્યોતિગ્રામ યોજના લાવીને નરેન્દ્રભાઈ મોદીએ 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી. રોડ રસ્તા, ચેકડેમ, નેહરો અને વીજળી સહિતની સુવિધાઓથી રાજ્યમાં ખેતી, ઉદ્યોગ- ધંધા અને કારખાનાં ફાલ્યા ફૂલ્યા.
