Rajkot: ઈન્દિરા સર્કલ નજીક સિટી બસ દુર્ઘટના બાદ મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા તપાસના નામે ચલક ચલાણું ચાલુ કરી દીધું છે. જયારે અકસ્માત બાદ લોકોના આક્રોશનો ભોગ બનેલા ડ્રાઇવરની દશા જોઇને વિશ્વમ એજન્સીની તમામ 75 બસના ડ્રાઇવરોએ હુમલાની જવાબદારી કોણ લેશે? તેવું જણાવી આજે સવારે અટલ સરોવર સિટી બસ ડેપોના મેનેજરને રજૂઆત કરવાનું નક્કી કર્યું હતુ. જો કે સંડોવણીની બીકે ડેપો મેનેજર રાતો રાત ભાગી જતા ડ્રાઇવરોએ જવાબદારી વિહોણી સિટી બસ અમારે નથી ચલાવી તેવુ કહી આજે સવારથી હડતાલ ઉપર ઉતરી જતા મહાનગરપાલિકામાં હડકંપ મચી ગયો છે.
સિટીબસ દુર્ઘટના બાદ ઈન્દિરા સર્કલ ખાતે બસના ડ્રાઇવરને લોકોએ બેફામ મારમાર્યો હતો. પોલીસે ડ્રાઇવરને છોડવતા તેનો જીવ બચી ગયો, પરંતુ ડ્રાઇવર ઉપર થયેલ હુમલાના ઘોરા પ્રત્યાઘાતો અન્ય ડ્રાઇવરોમાં પડ્યા છે. આ મુદે એજન્સીના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવાની કોશિશ કરવામાં આવી હતી, 75 સિટી બસનું સંચાલન કરતી વિશ્વમ એજન્સીના તમામ ઉચ્ચ અધિકારીઓએ મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતા આ બાબતે ડેપો મેનેજરને જાણ કરવા માટે તમામ ડ્રાઇવરો આજે સવારે અટલ સરોવર ખાતે ઉમટ્યા હતા.
જયાં ડેપો મેનેજરની ઓફિસે તાળુ જોવા મળ્યું હતુ. જેથી સિક્યુરીટીના જણાવ્યા મુજબ, ડેપો મેનેજર રાતોરાત ભાગી ગયો છે. આથી ડ્રાઇવરોએ મનપાના ટ્રાન્સ્પોર્ટ વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડ્રાઇવરોને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ડ્રાઇવરોએ દૂર્ઘટનામાં થતા હુમલા સહિતની જવાબદારી એજન્સી ન સ્વીકારે ત્યાં સુધી બસ ચાલુ નહીં થાય તેમ જણાવ્યું હતુ. તેમજ એજન્સીના અધિકારીઓ સાથે મીંટીગ યોજવાની વાત કરેલ. આથી તંત્ર દ્વારા એજન્સીના અધિકારીઓને તુરંત રાજકોટ હાજર થવાની સૂચના આપી છે અને સંભવત સાંજે એજન્સી સાથે મીંટીગ યોજ્યા બાદ ડ્રાઇવરોની માંગ સંતોષાસેતો 75 સિટીબસ શરૂ થશે તેવુ લાગી રહ્યું છે.
સિટી બસ દૂર્ધટનામાં મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રારંભીક ધોરણે મહદઅંશે અજેન્સીને જવાબદાર ઠેરવી તેનુ ચાલુ માસનું અને અગાઉનુ સહિત રૂા.10 કરોડનું બિલ અટકાવવામાં આવ્યું છે. જો કે પોલીસ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ, ડ્રાઇવર સામે તેમજ એજન્સીના જવાબદાર અધિકારીઓ સામે પણ ફરિયાદ થવાની સંભાવના છે. જેના લીધે અજેન્સીના તમામ અધિકારીઓ ગઇકાલથી પોતાના મોબાલઇ સ્વીચ ઓફ કરી ભૂર્ગભમાં ઉતરી ગયાનું જાણવા મળેલ છે. આમ છતા આજે એજન્સીના માણસો સાથે ડ્રાઇવરોની મીંટીગ યોજાયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે તેમ મનપાના અધિકારીઓએ જણાવ્યું હતુ.
