Rajkot: વરસાદના એકંદરે વિરામ બાદ રોગચાળાએ માજા મૂકી છે. મચ્છરજન્ય રોગચાળાએ રાજકોટને બાનમાં લીધુ હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં ત્રણ લોકો મોતને ભેટી ચૂક્યા છે. આજે વધુ એક યુવાનનું તાવ આવ્યા બાદ મોત થયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નહેરુનગરમાં અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા રમેશ સોનકર (22) નામના 22 વર્ષના યુવાનને ગઈકાલે મોડી રાતે સાડા 12 વાગ્યાની આસપાસ તાવ ચડ્યા બાદ બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી રમેશને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતુ.
આ મામલે પોલીસે જરૂરી કાર્યવાહી કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડિકલ કૉલેજ ખાતે ખસેડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવક મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો અને અહી મજૂરી કરવા આવ્યો હતો.
જણાવી દઈએ કે, રાજકોટની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી, તાવ, ઉધરસ અને વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે જ રાજકોટના 70 વર્ષીય જેઠાભાઈ પરમાર તેમજ મેટોડા ખાતે રહેતી એક વર્ષની બાળકીને જીવલેણ તાવ ભરખી ગયો હતો.
