Rajkot: શહેરના કોઠારિયા રોડ પર ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વેપારીના ઘરમાંથી અજાણ્યા ઈસમો રૂ. 10.80 લાખની કિંમતના સોનાના દાગીના ભરેલું પર્સ ચોરાઈ ગયું હતુ. આ મામલે વેપારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરતાં પાડોશીની દીકરીએ જ ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોઠારિયા રોડ પર આવેલા સત્યમપાર્કમાં રહેતા સાબુના વેપારી ઘનશ્યાભાઈ ડોબરિયા ગત 1 એપ્રિલના રોજ ધંધાર્થે બહાર ગયા હતા. સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ઘનશ્યામભાઈના પત્ની પારુલબેન ઘર ખુલ્લુ રાખીને શેરીમાં બેસવા ગયા હતા. આ સમયે અજાણ્યો ઈસમ ઘરમાં ઘૂસીને કબાટમાં રાખેલું દાગીના ભરેલું પર્સ ચોરીને ફરાર થઈ ગયો હતો.
આ પણ વાંચો
સાંજે ઘનશ્યામભાઈ ઘરે પરત ફર્યા ત્યારે 9 તોલાના સોનાના ઘરેણા ભરેલું પર્સના મળતા ચોરી થઈ હોવાનો ખ્યાલ આવતા આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ફરિયાદના આધારે પોલીસની તપાસમાં સામે આવ્યું કે, દાગીના ભરેલુ પર્સ ચોરવામાં 10 વર્ષની બાળકીનો હાથ હતો. આ બાળકી ફરિયાદીની પાડોશમાં 15 દિવસ પહેલા જ તેના માતા-પિતા સાથે ભાડે રહેવા આવી હતી.
જ્યારે દંપતી ઘરે ગેરહાજર હતુ, ત્યારે બાળકી ઘરમાં ઘૂસીને પર્સ ઉઠાવીને પોતાના ઘરે લઈ ગઈ હતી. જે બાદ બાળકીના માતા-પિતા દાગીના વેચવા માટે નીકળ્યા, ત્યારે બાતમીના આધારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. હાલ તો દંપતી પાસેથી તમામ દાગીના રીકવર કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
