રાજકોટમાં સાળાએ બનેવીની હત્યા કરીઃ મૃતકની પત્નીએ કહ્યું- 6 મહિનાના બાળકને લઇને ક્યાં જઇશ, હત્યારાને ફાંસીની સજા આપો

સહકાર રોડ પર રહેતા 27 વર્ષીય વિમલ વાણીયા પર ભક્તિનગર સર્કલ પાસે હુમલો થયો હતો. આરોપી કમલેશ સાથેની તકરાર બાદ વિમલ પર છરી વડે 6 થી 7 ઘા ઝીંકવામાં આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 25 Sep 2026 11:41 AM (IST)Updated: Fri, 25 Sep 2026 11:41 AM (IST)
rajkot-murder-brotherinlaw-allegedly-kills-man-wife-demands-death-penalty

Rajkot News: રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે ધોળા દિવસે છરીના ઘા ઝીંકીને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. બનાવમાં સાળાએ બનેવીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં મૃતકની પત્નીનું ભાવુક અને ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું છેકે, મારા 6 મહિનાના બાળકની પણ એ લોકોએ ચિંતા ના કરી. હું બાળકને લઇને ક્યાં જઇશ. જેમણે મારા પતિની હત્યા કરી તેમને ફાંસી થવી જોઇએ.

શું હતો સમગ્ર બનાવ

પ્રાથમિક વિગતો મુજબ, સહકાર રોડ પર રહેતા 27 વર્ષીય વિમલ વાણીયા પર ભક્તિનગર સર્કલ પાસે હુમલો થયો હતો. આરોપી કમલેશ સાથેની તકરાર બાદ વિમલ પર છરી વડે 6 થી 7 ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેના કારણે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબી ઝોન-1ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક વિમલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આરોપી કમલેશની અટકાયત કરી લીધી હતી. હાલ પોલીસ આ મામલે પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

મારા ભાઇએ હત્યા કરીઃ મૃતકના પત્ની

મૃતક વિમલના પત્ની શીતલબેને જણાવ્યું હતું કે, મારા પતિને ખોટા બહાને બોલાવીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. તેમને આરસી બુકના બહાને ઘરની બહાર બોલાવવામાં આવ્યા હતા, જ્યારે હકીકતમાં કોઈ ડોક્યુમેન્ટ્સ આવ્યા જ નહોતા. મારા ભાઈ કમલેશે જ મારા પતિની હત્યા કરી છે. સાત વર્ષ પહેલાં જ્યારે તેમણે પ્રેમલગ્ન કર્યા ત્યારે પરિવારજનો તેનો સખત વિરોધ કરતા હતા.

6 મહિનાના છોકરાની દયા ન આવી..ફાંસી થવી જોઇએ

તેમણે વધુમાં જણાવ્યું, મારા પિતા અને કાકા મારા લગ્ન 50 વર્ષના વ્યક્તિ સાથે કરાવવા માંગતા હતા અને તે માટે 25 લાખ રૂપિયા પણ લીધા હતા. મેં તે લગ્નની ના પાડી અને વિમલ સાથે ભાગી ગઈ હતી. તે સમયે પણ પરિવારજનોએ મને ધમકી આપી હતી કે, ભલે અત્યારે તું સંસ્થામાં સુરક્ષિત હોય, પરંતુ જે દિવસે તું બહાર નીકળીશ ત્યારે તને અને તારા પતિને મારી નાખીશું. મારે એક 6 મહિનાનો દીકરો છે. તેને લઇને હું ક્યાં જાઉં. અમે પ્રેમલગ્ન કર્યા એટલે આગળ-પાછળ અમારું કોઇ નથી. એ લોકોને મારા છોકરાની દયા ના આવી. એમને ફાંસીની સજા થવી જોઇએ.